ગુજરાતને મેઘરાજાએ બરાબર ધમરોળ્યુ છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી છે. પોરબંદરના મિલપરા, ઝુંડાળા, ખાડીકાંઠા, ચુના ભઠ્ઠી, કડીયા પ્લોટ સહિતના વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે.
પાણી ભરાતા લોકોની ઘરવખરી પલળી ગઈ છે. કર્લી જળાશયના પાણી અનેક વિસ્તારમાં ફરી વળતા પારાવાર નુકસાન થયુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક NDRFની ટીમે અનેક લોકોનું રેસ્ક્યૂ કર્યા છે.
બીજી તરફ પોરબંદર શહેરમાં ઘોડાપૂર વચ્ચે SDRFના જવાનો દેવદૂત બન્યા છે. કર્લી જળાશયના પાણી શહેરમાં ફરી વળતા અનેક લોકો ફસાયા હતા. જેના પગલે ગોંડલ SDRFની ટીમે દેવદૂત બની અલગ-અલગ વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કર્યું છે. નરસંગ ટેકરી, મિલપરા અને ગાયત્રી મંદિર નજીક લોકોનું રેસ્ક્યુ કરાયું છે. મળતી માહિતી અનુસાર 30 લોકોને બચાવીને આશ્રય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.