વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નૂતનની તબિયત બગડતા વડોદરા આવ્યો હતો. વડોદરા આવતા જ પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
હરણી લેકઝોનના સંચાલક અને ભાગીદારો સામે ગુનો નોંધાયો હતો. જો કે આરોપીઓ ભરૂચ બાદ રાજસ્થાન ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા.
વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં 10 ટકાનો ભાગીદાર હતો, તો 2018માં નૂતન અને વૈશાખીની 5-5 ટકા ભાગીદારી નક્કી થઇ હતી. પરેશ શાહની પત્ની અને સંતાનોની 20 ટકાની ભાગીદારી હતી. હરણી લેક્ઝોનનું સંચાલન પરેશ શાહ અને વત્સલ શાહ કરતા હતા. બેન્કિંગ વ્યવહારો વત્સલ શાહના ઓથોરિટી સિગ્નેચર ચાલતા હતા.
વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસને લઈને કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. બેદરકારી દાખવવા બદલ 6 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ ફ્યુચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઈજનેર સહિત 6 ઈજનેરોને નોટિસ ફટકારવામાં આવી છે. 7 દિવસમાં જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વડોદરા કોર્પોરેશને બેદરકારી દાખવવા બદલ કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ, પરેશ પટેલ (કાર્યપાલક ઇજનેર), જીજ્ઞેશ શાહ(નાયબ ઇજનેર), મુકેશ અજમેરી (નાયબ ઇજનેર), મિતેષ માળી, જીગર સયારિયાને નોટિસ આપી છે.