કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ, વારસા અને વિકાસની કરાઈ રજૂઆત

| Edited By: | Updated on: Jan 26, 2025 | 1:22 PM

ગુજરાત રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12-મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ તો છેડે 21-મી સદીની શાનસમું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી હતી.

વિરાસત અને વિકાસ”ની થીમ સાથે ગુજરાત દ્વારા 76-મા ગણતંત્ર દિને નવી દિલ્લીના કર્તવ્ય પથ પર રજૂ કરવામાં આવેલા ટેબ્લો એ ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. આ ટેબ્લો સાથે ‘મણિયારા રાસ’ના તાલે ઝુમતા કલાકારોએ પણ સૌને રોમાંચિત કર્યા હતા. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 15 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 31 ટેબ્લો રજુ થયા હતા.

ગુજરાત રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12-મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ તો છેડે 21-મી સદીની શાનસમું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી હતી. આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં સરક્ષણ – ટેકનોલોજી – ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા હતા.

ગુજરાતની ઝાંખીના અગ્રભાગમાં ‘યુનેસ્કો’ની હેરિટેજ સાઈટમાં સામેલ આનર્તપુર, એટલે કે હાલના વડનગર સ્થિત 12-મી સદીનું સોલંકીકાળનું ‘કીર્તિ તોરણ’ અને ત્યાર પછીના વિસ્તારમાં કચ્છી માટી-આભલાની કલાકૃતિ દર્શાવવામાં આવી હતી.

જયારે ઝાંખીના મધ્ય ભાગમાં સંરક્ષણ-ટેકનોલોજી ક્ષેત્રે ‘આત્મ નિર્ભર ભારત’ના પ્રકલ્પો પૈકી વડોદરામાં ‘તાતા એડવાન્સડ સિસ્ટમ લિમિટેડ’ના મારફતે તૈયાર થનારા ભારતીય વાયુદળના સી-295 એરક્રાફ્ટના યુનિટ અને તેની સાથેસાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો તકનીકી અદ્વિતીયતાના નમૂનારૂપ ‘અટલ બ્રિજ’ પણ રજૂ કરાયો હતો.

સેમીકંડકટરના ઉત્પાદનમાં ગુજરાતમાં થનારા જંગી રોકાણ સ્વરૂપે સેમી કંડકટર ચીપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો અને તેની સાથે ઓટોમોબાઇલ-મેન્યુફેક્ચરીંગ હબ તરીકે પ્રસ્થાપિત થઇ રહેલો ગુજરાતનો ઓટો-મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘કર્તવ્ય પથ’ પરથી 26 જાન્યુઆરીના રોજ વિવિધ રાજ્યો-કેન્દ્રીય વિભાગોના કુલ 31 ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ગણતંત્ર દિવસે રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.