Gujarati Video: રાજકોટમાં મુખ્યમંત્રી આવાસ યોજનાની ટાઉનશીપમાં પાણી માટે ધાંધિયા, સ્થાનિકોએ કર્યો મેયર ઓફિસનો ઘેરાવ
Rajkot: ઉનાળાની શરૂઆત થતા જ પાણી માટેના ધાંધિયાની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલી લક્ષ્મણ સોસાયટીમાં પાણી ન આવતા કંટાળેલા લોકોએ કોર્પોરેશન કચેરીનો ઘેરાવ કર્યો હતો.
હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યાં તો મહાનગરોમાં પાણીની રામાયણ શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં છેલ્લા 3 વર્ષથી પાણીના ધાંધિયા છે. રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી લક્ષ્મણ સોસાયટીમાં પાણીની સમસ્યા સહન કરવાની હવે લોકોની ધીરજ ખૂટી ગઈ છે. આખરે કંટાળેલા લોકોએ કોર્પોરેશનનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી.
પાણી માટે મેયર ઓફિસનો કર્યો ઘેરાવ
સ્થાનિકોએ કાળઝાળ ગરમીમાં તાત્કાલિક ધોરણે પાણી આપવાની મેયરને રજૂઆત કરી. લોકોને પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ન મળતાં ગરીબ લોકોએ 1200 રૂપિયા ખર્ચીને ટેન્કર મગાવા પડી રહ્યા છે. કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી ન આપતા લોકોએ આ રીતે તેમનો આક્રોષ ઠાલવ્યો. આ તરફ મેયરની જૂદી જ દલીલ છે. તેમનું કહેવું છે કે લક્ષ્મણ સોસાયટીમાં વેરા બાકી હોવાને કારણે તેમના કનેકશન કાપવામાં આવ્યા છે. વેરો ભરાશે તો પાણી શરૂ થશે.
આ પણ વાંચો: Rajkot : ગુજરાતમાં સૌપ્રથમ HIV પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે કાયદાકીય સહાય માટેના સેન્ટરનો કરાયો પ્રારંભ
આ તરફ લોધિકા તાલુકાના પારડી ગામે ગૌચરની જમીનમાં 7 સોસાયટીઓ સાથે 850 જેટા મકાનોને ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે અહીં રહેતા પછાત વર્ગના લોકોમાં ભારોભાર રોષ ભભુકી ઉઠ્યો છે. આ અસરગ્રસ્ત પરિવારોએ બાળકોને સાથે રાખી જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ડિમોલિશન નહીં કરવાની માગ કરી હતી.
સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ કે હાઈકોર્ટમાં ગૌચરની જમીન ખાલી કરાવવા મામલે PIL થઈ હતી. જે અંતર્ગત હાઈકોર્ટના આદેશ બાદ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ અસરગ્રસ્તોની રજૂઆતને આધારે સંલગ્ન ગ્રામપંચાયત પાસેથી રેક્ડ મગાવવામાં આવ્યા છે. તેની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
