Gujarati Video: કાળજાળ ગરમીમાં ડાલામથ્થાની જંગલમાં જ છીપાશે તરસ, વનવિભાગે રાજુલા-જાફરાબાદ રેન્જમાં 24 પાણીના પોઈન્ટ ઉભા કર્યા, જુઓ વનરાજનો પાણી પીતો વીડિયો

Gujarati Video: કાળજાળ ગરમીમાં ડાલામથ્થાની જંગલમાં જ છીપાશે તરસ, વનવિભાગે રાજુલા-જાફરાબાદ રેન્જમાં 24 પાણીના પોઈન્ટ ઉભા કર્યા, જુઓ વનરાજનો પાણી પીતો વીડિયો

| Edited By: | Updated on: Apr 16, 2023 | 2:12 PM

Amreli: અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ રેન્જમાં અનેક સિંહોનો વસવાટ છે. આ વનરાજોને કાળજાળ ગરમીમાં પાણી માટે ક્યાંય ભટકવુ ન પડે એ માટે વનવિભાગે 24 પાણીના પોઈન્ટ ઉભા કર્યા છે. રાજુલા અને જાફરાબાદ રેન્જમાં આ પાણીના સ્ત્રોત બનાવવામાં આવ્યા છે. આ પાણીના સ્ત્રોતમાં વનરાજ પાણી પીતા હોય તેના દૃશ્યો પણ સામે આવ્યા છે.

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ રેન્જમાં સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓનો વસવાટ વધી રહ્યો છે. આ વન્ય પ્રાણીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા આમતેમ ભટકવુ ન પડે તે માટે રાજુલા અને જાફરાબાદ રેન્જમાં પાણીના 24 પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. પાલિતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતા રાજુલા અને જાફરાબાદ રેન્જમાં પીવાના પાણી માટે સ્ત્રોત ઉભા કર્યા છે. જેમા કુદરતી સ્ત્રોત પાણીની કુંડીઓ અને પવનચક્કી મારફતે અલગ અલગ વિસ્તારમાં પાણીના પોઈન્ટ ભરવામાં આવી રહ્યા છે. કેટલાક ટેન્કર મારફતે પણ ભરવામાં આવી રહ્યા છે.

રાજુલા રેન્જમાં 10 મહત્વના પાણીના પોઈન્ટ હાલ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જાફરાબાદ રેન્જમાં 14 જેટલા પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. કુલ 24 જેટલા પોઈન્ટ ઉપર પાણીની વ્યવસ્થા વનવિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી સિંહો અને નીલગાય સહિત વન્યપ્રાણીઓ પાણી પી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ઉનાળાના ધોમધખતા તાપમાં સિંહોની દશા કફોડી થઈ જાય છે. પાણી વિના સિંહને આમતેમ ભટકવુ ન પડે તેને ધ્યાન રાખી વનવિભાગે આ વ્યવસ્થા કરી છે. આ પાણીના જળસ્ત્રોત ઉભા કરાતા જ અહીં એકસાથે ત્રણ સિંહના પાણી પીતા દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. પાણીના કુંડમાંથી ત્રણ સિંહણ શાંતિથી અહીં પાણી પીતી હોય તેવા નયનરમ્ય દૃશ્યો સામ આવ્યા છે.

આ પણ વાંચો: ફરી અમરેલી જિલ્લામાં સિંહોનું પેટ્રોલિંગ ! કોવાયા ગામ નજીક લટાર મારતા જોવા મળ્યા 5 સિંહ, જુઓ VIDEO

ગરમીની સિઝનમાં સિંહો મોટાભાગે ખુલ્લા વાતાવરણમાં રહેતા હોય છે અને પાણીની શોધમાં આમથીતેમ ભટક્તા હોય છે. પરંતુ વનવિભાગ તેમના વિસ્તારમાં વસવાટ કરતા સિંહો માટે હંમેશા ચિંતિત રહે છે અને તાત્કાલિક પાણીના પોઈન્ટ બનાવી દેવાયા છે. ઉપરાંત આ પોઈન્ટ પર રોજ ફોટોગ્રાફી મારફતે અને ફિલ્ડ પેટ્રોલિંગ દ્વારા સતતત મોનિટરીંગ કરવામા આવશે. આથી આ જળસ્ત્રોતને નિયમિત પાણીથી ભરવામાં આવશે.

ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- રાજુલા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…