Gujarati Video: સાંસદ રાજેશ ચુડાસમા અમિત શાહના 2 કાર્યક્રમમાં ગેરહાજર, ડો. અતુલ ચગના પરિવારે રાજેશ ચુડાસમા પર લગાવ્યા છે આરોપ
Gir Somnath: વેરાવળના જાણીતા ડૉ. અતુલ તબીબની આત્મહત્યામાં તેમના પરિવારે જૂનાગઢ-ગીરસોમનાથના સાંસદ ડૉ. રાજેશ ચુડાસમા પર આરોપ લગાવ્યો છે. આ વિવાદ વચ્ચે અમિત શાહ આજે જૂનાગઢ અને ગીરસોમનાથની મુલાકાતે હતા, ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાની બંને જાહેર કાર્યક્રમોમાં સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી આજે જૂનાગઢ અને ગીરસોમનાથની મુલાકાતે હતા. બપોરે સૌપ્રથમ તેમણે જૂનાગઢની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે APMCમાં કિસાન ભવનનું લોકાર્પણ કર્યુ હતુ. આ જાહેર કાર્યક્રમ દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જૂનાગઢથી ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા. અહીં સોમનાથ ટ્રસ્ટના અનેક કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અહીં પણ સાંસદ રાજેશ ચુડાસમા ક્યાંય દેખાયા ન હતા.
સૌપ્રથમ અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ અમિત શાહની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ અને અર્બન હેલ્થ વિભાગ દ્વારા એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. સોમનાથ યાત્રા એપનું લોન્ચિંગ અને સોમનાથ આરોગ્યધામ જેવા અદભુત પ્રકલ્પનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો. આ દરેક કાર્યક્રમમાં પણ સાંસદ રાજેશ ચુડાસમાની ગેરહાજરી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે ગીરસોમનાથના ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા બાદ તેમના પરિવારે રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેને લઈને આત્મહત્યાના 36 દિવસ બાદ રાજેશ ચુડાસમાએ પત્ર જાહેર કર્યો હતો. જેમાં ડૉ અતુલ ચગ સાથે કોઈ નાણાંકીય વ્યવહાર ન થયો હોવાનો દાવો કર્યો. સાથે જ ચુડાસમાએ નાર્કો કે લાઈવ ડિટેક્ટ ટેસ્ટની તૈયારી દર્શાવી તો બીજી તરફ અતુલ ચગના મિત્ર જલપન રૂપાપરાએ રાજેશ ચુડાસમાના પત્ર સામે સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે રાજેશ ચુડાસમાએ જે પીડીએફ બહાર પાડી તેમાં નારણ ચુડાસમાનો કેમ ઉલ્લેખ નથી. સાંસદ લાઈવ ડિટેક્ટ ટેસ્ટની વાત કરે છે પરંતુ હજી FIR જ નથી થઈ તો લાઈવ ડિટેકટ ટેસ્ટ દૂરની વાત છે..સાથે જ દાવો કર્યો કે નારણ ચુડાસમાના જે બ્લેન્ક ચેક આપ્યા છે તે સાંસદના ઓફિશિયલ કવરમાં હતા.
આ પણ વાંચો: Gujarati Video: ડો.અતુલ ચગની આત્મહત્યા બાદ પ્રથમવાર સાંસદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા આવી સામે, કહી આ વાત