ભરૂચના નિકોરા ગામે નર્મદા નદીના પટ વિસ્તારમાં વન્યજીવની હાજરીથી સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વિસ્તારમાં 'વાઘ' આવ્યો હોવાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા સત્ય બહાર આવ્યું હતું. વન વિભાગને તપાસ દરમિયાન નદીના પટમાં દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે, જેના પરથી સ્પષ્ટ થયું છે કે વાયરલ વીડિયોમાં વાઘ નહીં પણ દીપડો હતો. શિકારની શોધમાં આવેલો આ દીપડો પટ વિસ્તારમાં આંટાફેરા મારી ફરી જંગલ તરફ ભાગી ગયો હતો. હાલ વન વિભાગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.