Gujarati Video: ભાવનગરમાં કાળીયાબીડવાસીઓને છેલ્લા એક વર્ષથી મળી રહ્યુ છે ખુલ્લી ટાંકીનું પ્રદૂષિત પાણી, એક વર્ષથી સ્લેબ તૂટી ગયો છતાં તંત્ર નિંદ્રાધીન
Bhavnagar: ભાવનગરમાં તંત્રની ઘોર બેદરકારી અને લાલિયાવાડી ઉજાગર કરતી વધુ એક ઘટના સામે આવી છે. તંત્રની ઢીલી અને નીંભર નીતિને કારણે લોકોને પ્રદૂષિત પાણીનો પૂરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. કાળીયાબીડ વિસ્તારની પાણીની ટાંકીનો સ્લેબ એક વર્ષથી ક્ષતિગ્રસ્ત થયો છે અને લોકોને ખુલ્લી ટાંકીનું પ્રદૂષિત પાણી આપવામાં આવી રહ્યુ છે.
Bhavnagar: સરકારી વિભાગમાં ચાલી રહેલી લોલમલોલનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે ભાવનગરમાં.તંત્રની ઉદાસીનતાનો શિકાર બની છે કાળીયાબીડ વિસ્તારની પાણીની ટાંકી.
ખુલ્લા આકાશ નીચે, ખુલ્લી પાણીની ટાંકી. જર્જરિત કહો. ક્ષતિગ્રસ્ત કહો કે પછી કહો તંત્રનો શિકાર. આ ટાંકીનો સ્લેબ છેલ્લા એક વર્ષથી જર્જરીત થઈને તૂટી પડ્યો છે પરંતુ તંત્ર ટાંકીના ઉપર નવો સ્લેબ બનાવવાની કોઈ તસ્દી લેવાઈ નથી રહી. અનેક રજૂઆતો બાદ પણ કુંભકર્ણની નીંદ્રામાં પોઢેલું તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં કરી રહ્યું છે.
છેલ્લા એક વર્ષથી પાણીની ટાંકીનો ઉપરનો સ્લેબ ધરાશાયી, ખુલ્લી ટાંકીમાંથી લોકોને અપાઈ રહ્યુ છે પાણી
એક વર્ષથી પાણીની આ ટાંકી ખુલ્લી હાલતમાં પડી છે. વર્ષ 2022માં આ ટાંકીની છતનો ભાગ ધરાશાયી થયો હતો. છતાં હજુ સુધી તેનું સમારકામ નથી થયું. શું પાલિકાને એક વર્ષથી સમય જ નથી મળ્યો? હમણાં સુધી આ ટાંકી જેમની તેમ જર્જરિત હાલતમાં છે. ટાંકીમાં ધૂળ, પક્ષીઓની ચરક સહિતના કચરાથી પીવાનું પાણી દૂષિત થઇ રહ્યું છે. છતાં કોઇ દરકાર નથી લેવાતી. દૂષિત પાણીથી લોકોમાં રોગચાળો ફેલાય છે. મહત્વનું છે, આ ટાંકીનું પાણી કાળીયાબીડ અને સિંધુનગરના દોઢ લાખ લોકો સુધી પહોંચે છે. એક વર્ષ પહેલા પાલિકાએ કહ્યું હતું કે, ટાંકીનું સમારકામ કરાશે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે હજી સુધી ટાંકીની આવી હાલત કેમ?
જ્યારે ટાંકી જર્જરિત હાલતમાં છે, અને વારંવાર સ્લેબ તૂટી જાય છે તો કેમ તેને રિપેર નથી કરાતી? જો ટાંકી ધરાશાયી થાય અને કોઇ જાનહાનિ સર્જાય કે પછી રોગચાળો ફેલાય તો જવાબદારી કોણ લેશે ? એક તરફ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે ટેક્સ વસૂલાય છે તો બીજી તરફ પ્રજાની સુખાકારી જાળવવામાં લાપરવાહી દાખવવામાં આવે છે. મનપાની ઢીલી નીતિના કારણે જનતા દૂષિત પાણી પીવા મજબૂર બની છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો