Gujarati Video: પંચમહાલના કાલોલમાં 2002માં થયેલા ચકચારી ટેમ્પાકાંડના 39 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, 20 વર્ષે આવ્યો કેસનો ચુકાદો
Panchmahal: પંચમહાલમાં 2002માં કોમી રમખાણોના દાવાનળની આગમાં કાલોલ શહેર અને દેલોલ ગામમાં ફાટી નીકળેલા રમખાણમાં ટેમ્પાકાંડના કેસમાં હાલોલ સેશન્સ કોર્ટે 39 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જે પૈકી 13 આરોપીના મૃત્યુ થઈ ચુક્યા છે.
પંચમહાલના કાલોલમાં વર્ષ 2002માં સર્જાયેલા ટેમ્પાકાંડના 39 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. હાલોલ એડિશનલ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ કેસમાં 20 વર્ષ, 4 મહિના અને 13 દિવસ ચાલેલી ન્યાયિક લડતને અંતે શુક્રવારે 2 મહિલા સહિત 39 આરોપીઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો જાહેર કર્યો છે.
39 આરોપીઓ પૈકી 13 ના ચુકાદો આવે તે પહેલા જ કુદરતી મૃત્યુ
મહત્વપૂર્ણ છે કે 39 આરોપી પૈકી 13 આરોપીના કેસની ટ્રાયલ દરમિયાન જ કુદરતી મોત નિપજ્યા છે. આ સિવાયના અન્ય આરોપીઓ વચગાળાના જામીન પર મુક્ત થયા હતા. કોર્ટે આ ચુકાદો પુરાવાના અભાવે ગુનો સાબિત ન થતાં આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વર્ષ 2002માં રમખાણો સમયે થયેલા ટેમ્પાકાંડમાં 11 લોકોના થયા હતા મોત
આ સમગ્ર ઘટનાક્રમ અને ટેમ્પાકાંડની વિગતો પર નજર કરીએ તો વર્ષ 2002માં કાલોલ નજીક ટેમ્પા પર ટોળાએ હુમલો કર્યો હતો. ટેમ્પોમાં જઇ રહેલા મુસાફરો પર હિંસક ટોળાના હુમલામાં 11 લોકોના મોત નિપજ્યા હતા. કાલોલ પોલીસે 39 લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
2 માર્ચ 2002ના રોજ કાલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં હત્યા સહિતના ગુનાના કામે પોલીસે 39 લોકોની ધરપકડ કરી હતી. કેસમાં કુલ 190 સાક્ષી અને 334 દસ્તાવેજી પુરાવાની તપાસ કરાઇ હતી. જોકે સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જણાતા કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…