Gujarati Video: પંચમહાલના મોરવાહડફના ધારાસભ્ય નિમિષા સુથારે ‘નલ સે જલ’ યોજનાના કામમાં લાલિયાવાડીનો લગાવ્યો આરોપ
Panchmahal: પંચમહાલના મોરવાહડફના ધારાસભ્ય નિમીષા સુથારે ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. નલ સે જલ યોજનાના કામમાં લાલિયાવાડીનો આરોપ લગાવ્યો છે અને એજન્સીઓને માત્ર રૂપિયામાં જ રસ હોવાનુ જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે તેમના તાલુકામાં નલ સે જલ યોજનાની માત્ર 45% જ કામગીરી થઈ છે.
એક તરફ બનાસકાંઠાના વાવથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાજપની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. ગેનીબેને નડાબેટ સહિત નડેશ્વરી મંદિરના વિકાસ માટે ભાજપ સરકારની પીઠ થાબડી. ત્યારે બીજી તરફ ભાજપના જ પંચમહાલના મોરવાહડફથી ધારાસભ્ય નિમીષા સુથારે સરકારની યોજનાના કામમાં લાલિયાવાડી થતી હોવાનું નિવેદન આપ્યુ છે.
પંચમહાલમાં મોરવાહડફના પરબિયા ગામે નલ સે જલ યોજનામાં આવું જ કંઈક થયું છે. ધારાસભ્ય નિમિષા સુથારની રાત્રિસભામાં કામગીરીને લઈને ગામલોકોએ રજૂઆત કરી હતી. ત્યારે ખુદ ધારાસભ્યએ જ કહ્યું કે, એજન્સીઓ તો ટેન્ડર પ્રક્રિયા કરી, કામ કરીને હાથ ઉંચા કરી દે છે. તેમને રૂપિયામાં રસ હોય છે. લોકોએ જ આગળ આવીને સંકલન કરીને યોજનાઓ સફળ બનાવવા સહભાગી થવું પડશે તેવું નિમિષા સુથારે કહ્યું.
મોરવા હડફ તાલુકામાં નલ સે જલની હજુ 45 ટકા જ કામગીરી થઈ છે. જો કે, લોકોનો દાવો છે કે આ કામગીરીમાં પુરતુ ધ્યાન અપાયું નથી. પાઈપલાઈન નાખવામાં બેદરકારી રખાઈ છે. જે પાઈપલાઈન નખાઈ છે, તે યોગ્ય નથી. આ અંગે એક જાગૃત નાગરિકે રજૂઆત કરી હતી. તસવીરો બતાવી કામગીરી યોગ્ય નથી થઈ રહી તેવી કબૂલાત નિમિષા સુથારે પણ કરી.
ત્યારે સવાલ એ છે કે સરકારે જે એજન્સીને ટેન્ડર આપ્યું છે કે, તે યોગ્ય કામ કરે તે જોવાને બદલે ધારાસભ્ય લોકોને આગળ આવવાની સલાહ કેમ આપી રહ્યા છે? લાલિયાવાડી થાય છે, તે વાત ધારાસભ્ય કેમ આટલા સ્વાભાવિક અંદાજમાં લઈ રહ્યા છે? શું આ જ પ્રકારે નલ સે જલનું સ્વપ્ન સાકાર થશે?
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…