Gujarat Weather : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 8.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર, 48 કલાકમાં ઠંડી ઘટવાની આગાહી
સામાન્ય રીતે 14 જાન્યુઆરી બાદ ઠંડી ધીમે ધીમે ઓછી થઇ જાય છે, પરંતુ જાન્યુઆરી મહિનો સમાપ્ત થવા આવ્યો ઠંડી હજુ પણ કહેર મચાવી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉતર-પૂર્વ દિશાના પવન ફૂંકાવાને કારણે રાજ્યમાં ઠંડી અને ગરમી બંનેનો અહેસાસ થશે.
સામાન્ય રીતે 14 જાન્યુઆરી બાદ ઠંડી ધીમે ધીમે ઓછી થઇ જાય છે, પરંતુ જાન્યુઆરી મહિનો સમાપ્ત થવા આવ્યો ઠંડી હજુ પણ કહેર મચાવી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉતર-પૂર્વ દિશાના પવન ફૂંકાવાને કારણે રાજ્યમાં ઠંડી અને ગરમી બંનેનો અહેસાસ થશે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે દિવસ દરમિયાન ગરમી અને સવાર-સાંજ ઠંડી અનુભવાશે, જેને કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસમાં રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જેમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઘટાડાને કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કચ્છનું નલિયા 8.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડુગાર રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં 11.8 ડિગ્રી જ્યારે ભુજમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને દીવમાં 15.8 ડિગ્રી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં 15.9 ડિગ્રી અને વડોદરામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. ઠંડીના કારણે સવાર અને રાત્રિના સમયે લોકો ગરમ કપડાંનો સહારો લેતા થયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
