મધ્યમ વર્ગના બજેટ પર વધુ એક બોજો, ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળીના ભાવમાં ધરખમ વધારો- Video
ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જે ડુંગળી ₹25 પ્રતિ કિલો વેચાતી હતી તે હવે વધીને હવે છૂટક બજારમાં ₹60 થી ₹70 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. ડબલ કરતા પણ ભાવ વધી જતા લોકો ડુંગળીના ભાવ પૂછીને ખરીદવાનું ટાળી રહ્યા છે.
ગુજરાતમાં ડુંગળીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળીના ભાવ હવે આસમાને પહોંચ્યા. છેલ્લા બે મહિનામાં ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો. અગાઉ 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ડુંગળી હવે રિટેલ બજારમાં 60થી 70 રૂપિયા સુધી પહોંચી છે. ભાવ વધવાની સાથે બજારમાં ગ્રાહકોની ખરીદીની રીતમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. પહેલાં એકસાથે વધુ જથ્થામાં ડુંગળી ખરીદતા ગ્રાહકો હવે જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. કેટલાક ગ્રાહકો તો રિટેલ વેપારી પાસેથી ભાવ પૂછ્યા બાદ ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યા છે.
માત્ર રિટેલ બજાર જ નહીં પરંતુ હોલસેલ માર્કેટમાં પણ ડુંગળીના ભાવ વધ્યા. સારી ગુણવત્તાની ડુંગળીનો ભાવ ₹50 થી ₹55 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. હોલસેલ માર્કેટથી રિટેલ બજાર સુધીની સફરમાં વાહન ખર્ચ, મજૂરી, નફો અને અન્ય ખર્ચ ઉમેરવાને કારણે ગ્રાહક સુધી પહોંચતા ડુંગળીનો ભાવ ₹60 થી ₹70 રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. બજારમાં આવતી ડુંગળીની ગુણવત્તા પ્રમાણે પણ ભાવમાં તફાવત જોવા મળે છે. કમોસમી વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થતાં આવક અને ગુણવત્તા બંને પર અસર પડી છે.
એક તરફ હોલસેલ માર્કેટમાં ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ નથી મળી રહ્યા બીજી તરફ રિટેલ માર્કેટમાં ડુંગળી ગરીબોન રડાવી રહી છે. ઓછા વરસાદ, અને ઉત્પાદન ઘટવાને કારણે હાલ ડુંગળીના ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોને ડુંગળીનો ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો છે.
