Gujarat : છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ પંથકમાં ભારે વરસાદ, બોડેલી, ડભોઇ અને જાંબુઘોડામાં આભ ફાટયું
છોટાઉદેપુરના બોડેલીમાં જાણે પૂર આવ્યું હોય તેવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોતરોના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે. કોતરો પાસે આવેલા વર્ધમાનનગર વિસ્તારમાં રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
મધ્ય ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ પંથકમાં ભારે વરસાદ ખાબકયો છે. અને, વરસાદને કારણે આ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે.
છોટાઉદેપુરના બોડેલીમાં પૂરની સ્થિતિ
છોટાઉદેપુરના બોડેલીમાં જાણે પૂર આવ્યું હોય તેવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોતરોના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે. કોતરો પાસે આવેલા વર્ધમાનનગર વિસ્તારમાં રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લોકોના ઘરોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. પાણીનો પ્રવાહ વધતો જઈ રહ્યો હોવાના કારણે કેટલાક લોકો જીવ બચાવવા અગાશી પર અને બીજા માળ પર ચઢી ગયા છે. જ્યારે કેટલાક લોકો પાણી ઓસરવાની રાહ જોઈને બેઠા છે.
ઘરોમાં ઘુસ્યા પાણી
છોટાઉદેપુરના બોડેલીમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બોડેલીના ઢોકલિયા વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. લોકોનાં ઘરોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે અહીં જનજીવન ખોરવાઈ ગયું છે.
ઢાઢર નદીમાં પાણી છલકાયું
વડોદરા જિલ્લામાં ઢાઢર નદી ઓવરફ્લો થતાં ડભોઇના કેટલાક ગામો પાણી-પાણી થઇ ગયા છે. ડભોઇમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં દંગીવાડા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયાં છે. દંગીવાડા, નારણપુરા, બંબોજ, વિરપુરા, મગનપુરા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઢાઢર નદી ગાંડીતૂર બની છે.
જાંબુઘોડામાં પણ ભારે વરસાદ નોંધાયો
પંચમહાલ જીલ્લામાં વહેલી સવારથી મેઘમહેર યથાવત છે. પંચમહાલ જીલ્લાના ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, ઘોઘમ્બા સહિત યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે વરસાદના પગલે યાત્રાધામ પાવાગઢ મંદિરના પગથિયાં પર ધોધ વહેતા થયાં. તો બીજી તરફ હાલોલના હવેલી મંદિર શાક માર્કેટમાં વરસાદી પાણી ભરાયા.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. જાંબુઘોડામાં 4 કલાકમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. નારુંકોટ, ઝંડ હનુમાન, હાથણી માતા વિસ્તારોમાં પાણીનો ધસમસતો પ્રવાસ જોવા મળ્યો છે.
હજુ પણ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદમાં ભારે વરસાદ આવી શકે છે.