આભમાંથી વરસશે અગનગોળા! આગામી 48 કલાક ભારે, જાણો કયા વિસ્તારોમાં અપાયું ‘યલો એલર્ટ’ – જુઓ Video
ગુજરાતમાં હવે ઉનાળો પોતાનું અસલી રૂપ બતાવવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 48 કલાક રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે.
રાજ્યભરમાં હવે ગરમીનું જોર આક્રમક રીતે વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. ખાસ કરીને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થશે. આગામી 48 કલાક રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળશે, તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
ગરમીની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં હિટવેવની આશંકા વ્યક્ત કરી છે, જેના પગલે સાવચેતીના ભાગરૂપે આગામી બે દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બપોરના સમયે તાપમાનનો પારો ઊંચકાતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના 6 જિલ્લામાં તાપમાનનો પારો પહેલાં જ 40 ડિગ્રી ઉપર પહોંચી ચુક્યો છે. રાજકોટ અને અમદાવાદમાં તાપમાનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એવામાં સૌથી વધુ સૌરાષ્ટ્ર, કચ્છમાં ઊંચા તાપમાન અને હિટવેવની આશંકાએ 2 દિવસ ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.
