કચ્છના પશુપાલકોને મોટી રાહત: સરકારે ₹2ના ભાવે ઘાસચારો આપવાની કરી જાહેરાત, જાણો કોને મળશે લાભ

| Edited By: | Updated on: Jul 18, 2026 | 8:20 PM

કચ્છમાં ઓછા વરસાદને કારણે ઘાસચારાની સર્જાયેલી અછત વચ્ચે રાજ્ય સરકારે માલધારીઓ માટે મોટી રાહત જાહેર કરી છે. પશુપાલકોને હવે પ્રતિ કિલો માત્ર 2 રૂપિયાના ભાવે સૂકો ઘાસચારો પૂરો પાડવામાં આવશે.

કચ્છ જિલ્લામાં ચોમાસું ખેંચાતા અને બન્ની સહિતના વિસ્તારોમાં ઘાસ-પાણીની તીવ્ર અછત સર્જાતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બજારમાં ઘાસના ભાવ વધીને ₹22 સુધી પહોંચી ગયા છે, જ્યારે ખોળ અને ભૂસાના ભાવમાં પણ ધરખમ વધારો થતાં દૂધાળા પશુઓની ક્ષમતા અડધી થઈ ગઈ છે. આ કફોડી સ્થિતિ વચ્ચે કચ્છ કલેક્ટરની દરખાસ્ત સ્વીકારીને રાજ્ય સરકારે સબસિડીવાળા ઘાસચારાની જાહેરાત કરી છે.

નવા નિયમો મુજબ, નાના-સીમાંત ખેડૂતો અને માલધારીઓને પશુદીઠ દરરોજ 4 કિલો સૂકો ઘાસચારો ₹2 પ્રતિ કિલોના રાહત દરે મળશે. આ યોજના હેઠળ એક ઘાસ કાર્ડ પર વધુમાં વધુ 5 પશુઓનો સમાવેશ કરી શકાશે અને એક વખતમાં 7 દિવસનો જથ્થો અપાશે.

ફોટાવાળા ઘાસ કાર્ડના આધારે વન વિભાગના ડેપો તેમજ નવા શરૂ થનારા કેન્દ્રો પરથી વિતરણ કરાશે. ઠરાવ અમલમાં આવ્યા બાદ 15 દિવસ સુધી ચાલનારી આ સમગ્ર વ્યવસ્થાની દેખરેખ કચ્છ કલેક્ટર રાખશે અને તેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

વાવ-થરાદમાં નશાના કારોબાર પર SOGની તવાઈ: કરોડોની કિંમતની ટ્રામાડોલ ગોળીઓ સાથે બે ઝડપાયા

Follow Us