ગુજરાતના રાજકારણમાં હાલમાં સૌથી ચર્ચાનો વિષય બનેલો ઇટાલીયા-અમૃતીયા વિવાદ વધુ ઉગ્ર બનતો જાય છે. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વચ્ચે ચાલી રહેલા આ વિવાદમાં હવે નરેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. નરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પ્રજા દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સોશિયલ મીડિયા પરના વિવાદોને બદલે ધારાસભ્યોએ સમાજના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ વિવાદમાં અલ્પેશ કથીરીયાનું નિવેદન પણ સામે આવ્યુ છે. તેમણે બંને ધારાસભ્યોને ગરિમા જાળવવાની અપીલ કરી છે અને આ વિવાદને લોકશાહી માટે મજાક ગણાવ્યો છે. ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતીયાએ ગોપાલ ઇટાલીયાને વિસાવદરથી રાજીનામું આપીને મોરબીમાં ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો, જે ઇટાલીયાએ સ્વીકાર્યો હતો. હવે ઇટાલીયાએ પણ અમૃતીયાને રાજીનામું આપવાનો પડકાર ફેંક્યો છે. આમ, બંને ધારાસભ્યો વચ્ચેની રાજકીય લડાઈ વધુ ઉગ્ર બની છે.
નરેશ પટેલના નિવેદનથી આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. તેમનું કહેવું છે કે પોતાની જવાબદારીઓ યાદ રાખવી જરૂરી છે. ગુજરાતના લોકોએ બંને ધારાસભ્યોને ચૂંટીને વિજયી બનાવ્યા છે, તેથી તેમની પ્રાથમિક ફરજ પોતાના વિસ્તારના લોકોના કામો કરવાની છે.
Input Credit- Mohit Bhatt, Baldev Suthar