મરચાં બાદ હવે ઘઉંથી ઉભરાયુ ગોંડલ માર્કેટિંગ યાર્ડ, રોજ 15થી 20 હજાર ઘઉંની બોરીની થઈ રહી છે આવક- Video

|

Feb 28, 2024 | 5:58 PM

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ ઘઉંની પુષ્કળ આવક થઈ રહી છે. મરચાં બાદ હવે માર્કેટિંગ યાર્ડ ઘઉંથી ઉભરાઈ રહ્યુ છે. યાર્ડમાં રોજની 15 થી 20 હજાર બોરી ઘઉંની આવક થઈ રહી છે. પુષ્કળ આવકને પગલે યાર્ડમાં જગ્યા ઓછી પડતી હોવાથી હાલ પુરતી આવક સ્થગીત કરાઈ છે.

ફેબ્રુઆરી મહિનો એટલે ઘઉંના પાકની લણણીનો સમય. સૌરાષ્ટ્રભરમાં ઘઉંનો નવો પાક તૈયાર થઈ ગયો છે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક જોવા મળી છે. ઘઉંની એટલી આવક થઈ છે કે જગ્યાના અભાવે ઘઉંની આવક હાલ પુરતી સ્થગિત કરવાની ફરજ પડી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં દરરોજ 15થી 20 હજાર બોરી ઘઉંની આવક થઈ રહી છે. રોડની બન્ને બાજુ ખેડૂતોના વાહનોની કતાર લાગેલી જોવા મળે છે. સૌરાષ્ટ્રભરમાંથી ઘઉંના વેચાણ માટે ખેડૂતો ગોંડલ આવી રહ્યા છે. હરાજીમાં એક મણ ઘઉંના ભાવ 400 રૂપિયાથી લઈને 650 સુધી બોલાયા છે.

યાર્ડની બંને તરફ બે થી ત્રણ કિલોમીટર સુધી લાગી વાહનોની લાઈનો

યાર્ડના સેક્રેટરી તરૂણ પાંચાણીના જણાવ્યા અનુસાર બંને બાજુ 2 થી ત્રણ કિલોમીટર સુધી ઘઉંની લાઈનો લાગી હતી. ખેડૂતો પોત પોતાના વાહનો લઈને હજુ પણ લાઈન લગાવીને બેસેલા છે અને યાર્ડમાં ફરી આવક શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આ તરફ બે દિવસ પહેલા યાર્ડમાં મરચાંની પણ પુષ્કળ આવક જોવા મળી હતી. ગોંડલ યાર્ડમાં એક મણ મરચાના એક હજારથી ચાર હજાર સુધીના ભાવ બોલાતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જેમા રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરથી ખેડૂતો મરચુ વેચવા ગોંડલ યાર્ડ આવી રહ્યા છે. આથી જ આવી ભારે આવક થાય છે.

Input Credit- Devang Bhojani- Gondal

આ પણ વાંચો: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની થઈ મબલખ આવક, એક દિવસમાં 65 હજાર ભારીની થઈ આવક

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video