સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો: ચાંદીમાં 46 વર્ષનો સૌથી મોટો ઘટાડો, જાણો અત્યારે ખરીદી કરવી કેટલી ફાયદાકારક?
સુરતમા બજારો ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું રૂ. 1,63,600 અને ચાંદી રૂ. 3 લાખના સ્તરે પહોંચતા ગ્રાહકો માટે ખરીદીની સુવર્ણ તક ઉભી થઈ છે. નિષ્ણાંતોના મતે, 1980 પછી ચાંદીમાં આ સૌથી મોટું કરેક્શન છે.
છેલ્લા ઘણા સમયથી આસમાને પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં હવે મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે. આજે બજાર ખુલતાની સાથે જ કિંમતોમાં ધરખમ ઘટાડો નોંધાતા સામાન્ય જનતા અને જ્વેલર્સ વેપારીઓના ચહેરા પર હાશકારો જોવા મળ્યો છે. સતત બે દિવસથી ભાવ નીચે આવતા બજારમાં ફરી એકવાર ખરીદદારીનો માહોલ ગરમાયો છે.
ભાવમાં મોટો ફેરફાર તાજા આંકડા મુજબ, 24 કેરેટ 1 તોલા સોનાનો ભાવ રૂ. 1,63,600 પર પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ઘટીને રૂ. 3 લાખ થયો છે. ઉલ્લેખનીય છે કે, સોનામાં તેના સર્વોચ્ચ સ્તરથી 12% અને ચાંદીમાં 26% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને પગલે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ગ્રાહકોએ જ્વેલરી શોરૂમ્સ પર પડાપડી શરૂ કરી દીધી છે.
46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો બજારના જાણકારોના મતે, અગાઉ વર્ષ 1980 બાદ એટલે કે 46 વર્ષમાં પ્રથમવાર ચાંદીમાં આટલો મોટો કડાકો જોવા મળ્યો છે. એકતરફી ભાવ વધારા બાદ બજારમાં આવેલું આ કરેક્શન રોકાણકારો અને ગ્રાહકો માટે હકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
નિષ્ણાંતોનું શું કહેવું છે?
આર્થિક નિષ્ણાંતો હજી પણ સોનું-ચાંદીને રોકાણ માટે ‘સેફ હેવન’ (સૌથી સુરક્ષિત રોકાણ) માની રહ્યા છે. નિષ્ણાંતોનું સૂચન છે કે, જે ગ્રાહકોએ અગાઉ ઊંચા ભાવે ખરીદી કરી હતી, તેમના માટે અત્યારે નીચા ભાવે ખરીદી કરીને ‘એવરેજ’ કરવાનો શ્રેષ્ઠ સમય છે. બજારમાં આવેલો આ ઘટાડો ગ્રાહકો માટે ખરીદીની એક મોટી તક છે, કારણ કે લાંબા ગાળે કિંમતો ફરી વધી શકે છે.
જ્વેલર્સ એસોસિએશનના મતે, લગ્નની સીઝન પૂર્વે ભાવમાં આવેલો આ ઘટાડો બજારમાં નવી રોનક લાવશે અને વેપારમાં મોટો ઉછાળો જોવા મળશે.
