“ફૂડ સેફ્ટી માત્ર પરમિશન લેવા પૂરતી નથી” કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં તુકારામ મુંઢેનું મોટું નિવેદન
ફૂડ સેફ્ટી નિયમોના ભંગથી કેન્સર-હૃદયરોગ વધ્યા; ગાંધીનગરમાં FDA કમિશનર તુકારામ મુંઢેએ આપી કડક ચેતવણી. ગાંધીનગરમાં મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેનું નિવેદન: ફૂડ સેફ્ટીના નિયમોની ઉપેક્ષાથી સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ,
મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેએ ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં ખાદ્ય સુરક્ષા અને આરોગ્યના સીધા સંબંધ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે ફૂડ સેફ્ટીનો અર્થ માત્ર સરકારી પરમિશન મેળવી લેવાનો નથી, પરંતુ ખોરાકની ગુણવત્તા અને નિર્ધારિત સ્ટાન્ડર્ડ્સનું સતત પાલન કરવું અનિવાર્ય છે.
તેમણે ઉમેર્યું કે દેશમાં કેન્સર, ડાયાબિટીસ અને કાર્ડિયાક (હૃદયરોગ) જેવી ગંભીર બીમારીઓ ઝડપથી વધી રહી છે, જેનું એક મોટું કારણ ફૂડ સેફ્ટીના નિયમોની અવગણના અને ભેળસેળયુક્ત ખોરાક છે. આપણે દૈનિક શું આરોગીએ છીએ તેની ગુણવત્તા જાહેર આરોગ્ય પર સીધી અસર કરે છે.
બદલાતા સમય અને ઓનલાઇન ફૂડ ડિલિવરી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2006 પહેલાંના કાયદાઓમાં ઓનલાઇન ફૂડ સિસ્ટમનો કોઈ ઉલ્લેખ નહોતો. ઓનલાઇન ફૂડ ક્વોલિટીને સુનિશ્ચિત કરવા મહારાષ્ટ્રમાં એક વિશેષ પોર્ટલ કાર્યરત કરાયું છે, જેના પર નાગરિકો તરફથી મળતી ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે. દેશભરમાં ફૂડ સેફ્ટીના નિયમોનું કડકાઈથી પાલન થાય તે પબ્લિક હેલ્થ માટે અત્યંત જરૂરી છે.
એક તરફ તુકારામ મુંઢે સાહેબ જેવા અધિકારીઓ સાચી અને પ્રમાણિક પદ્ધતિથી કામ કરી રહ્યા છે, જેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે જો કોઈ અધિકારી ધારે તો તે પરિસ્થિતિને ગમે તે હદે સુધારી શકે છે; મુખ્ય બાબત એ જ છે કે તે નીતિમત્તા અને કાયદાકીય મર્યાદામાં રહીને કામ કરે તથા જનતાને તેમના ટેક્સના પૈસાનું પૂરતું વળતર અને સુવિધાઓ આપે. જે ખોરાકના બિલ પર આપણે ટેક્સ ભરીએ છીએ, તેના બદલામાં આપણને મળે છે શું? ગંદકી, અસ્વચ્છતા અને સડેલો ખોરાક! ખોરાકમાં મચ્છર-જીવાત કે એવા ઝેરી કેમિકલ્સ પીરસવામાં આવે છે, જેના કારણે માણસ ધીમે-ધીમે ઝેરનો આદી બનતો જાય છે અને તેને ડાયાબિટીસ તથા કેન્સર જેવા જીવલેણ રોગોનો ભોગ બનવું પડે છે, જેનું આકરું પરિણામ તે પોતે અને તેનો આખો પરિવાર ભોગવે છે.
