Valsad: વલસાડની ઔરંગા નદીમાં આવ્યુ ઘોડાપૂર, ડ્રોન કેમરાના દ્રશ્યોમાં જૂઓ તબાહી
વલસાડ (Valsad) ની ઔરંગા નદી (oranga river) માં પૂર આવતાં નદી કાંઠા (river bank) ના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ડ્રોન કેમરાથી લીધેલા દ્રશ્યોમાં જૂઓ તબાહી
વલસાડ (Valsad) જિલ્લામાં પાછલા ચાર દિવસથી સાર્વત્રિક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પાછલા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 8 અને ધરમપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ (Rain)ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીના પાણી વલસાડના કાશ્મીરાનગર, ભરૂડિયા વાડ સહિતના વિસ્તારોમાં ઘૂસી ગયા. જે બાદ કલેક્ટરે લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની સૂચના આપી. તો સ્થાનિક વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું અને નદીકાંઠાની નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું સ્થળાંતર હાથ ધર્યું હતું.
વલસાડની ઔરંગા નદીમાં પૂર આવતાં નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના તરિયાવાડ વિસ્તાર ખૂબ જ ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાણીનો નિકાલ જલ્દી ન થતો હોવાના કારણે લોકો પોતાનો સામાન અન્ય સ્થળે શિફ્ટ કરીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. NDRF દ્વારા 300થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
તરિયાવાડ વિસ્તારના આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધરમપુરમાં છેલ્લા બે દિવસમાં 16 ઈંચથી વધારે વરસાદ ખાબકતાં ઔરંગા નદી ભયજનક સપાટી વટાવીને તોફાની રીતે વહી રહી છે. જેના કારણે વલસાડમાં પાણી ભરાઈ ગયા છે. ભૈરવી નજીક ઔરંગા નદીની ભયજનક લેવલ 4 મીટર છે. પરંતુ સવારે ઔરંગા નદી ભયજનક સપાટીથી ઉપર 6 મીટરે વહી રહી હતી. લોકોનું કહેવું છે કે દરવર્ષે તેમના ઘરોમાં છાતીસમાણા પાણી ભરાઈ જાય છે. તેમ છતાં તેમની સમસ્યાનો કોઈ કામયી ઉકેલ લાવવામાં આવ્યો નથી.