અમદાવાદને ગંદકીમુક્ત અને કચરામુક્ત કરવા માટે ડોર ટુ ડોર ફરતી કચરાની ગાડીમાં વધારો કરાશે
Ahmedabad: અમદાવાદને ગંદકીમુક્ત અને કચરામુક્ત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં શહેરને કચરામુક્ત કરવા ડોર ટુ ડોર ફરતી કચરાની દાડીઓની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ શહેર આમ તો મેટ્રો સિટી અને હેરિટેજ સિટી તરીકે વિશ્વ પ્રસિદ્ધ થઈ રહ્યું છે. પરંતુ અમુક એવી સમસ્યાઓ છે જેને કારણે ગુજરાતના આ આર્થિક પાટનગરની ચમક ઝાંખી પડે છે. આવી જ એક સમસ્યા છે ગંદકી. જો કે હવે મહાનગરપાલિકાએ આ સમસ્યા દૂર કરવા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી હર્ષદરાય સોલંકીના જણાવ્યા મુજબ અમદાવાદને ગંદકી અને કચરામુક્ત કરવા માટે ડોર ટુ ડોર ફરતી કચરાની ગાડીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જેની શરૂઆત મહાનગરપાલિકા તરફથી શરૂ કરી દેવામાં આવી છે.
વિવિધ વિસ્તારોમાં મુકાયેલી સિલ્વર ટ્રોલીઓ હટાવી લેવાનો નિર્ણય
આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં એક જ સ્થળે કચરો નાખવા માટે મોટી સિલ્વર ટ્રોલીઓ મુકવામાં આવી હતી. તેને ઉઠાવી લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મનપાનું માનવું છે કે લોકો કચરો નાખે તે હેતુથી આ મોટી સિલ્વર ટ્રોલીઓ મુકવામાં આવી હતી, પરંતુ તેને કારણે ગંદકી વધુ થતી હોવાથી આ સિલ્વર ટ્રોલી હટાવી લેવાની કામગીરી શરૂ કરી છે.
સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટરનું કહેવું છે કે સિલ્વર ટ્રોલી હટાવી ડોર ટુ ડોર ગાડીની સંખ્યામાં વધારો થવાથી ગંદકીની સમસ્યાને દૂર કરી શકાશે. પરંતુ સ્થિતિ તદ્દન વિપરીત છે. મનપા તરફથી સિલ્વર ટ્રોલી હટાવે તો લેવામાં આવી છે, પરંતુ લોકો હજી પણ ત્યાં જ કચરો ઠાલવી રહ્યા છે. જેથી કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો છે કે આ અંગે મહાનગરપાલિકાએ આ અંગે ફેરવિચારણા કરવાની જરૂર છે.