સલામ છે પાડોશીને! મણિનગરમાં CBIના નામે વૃદ્ધ દંપતીને ડરાવતા ઠગોનો પ્લાન ફેલ, 23 લાખની છેતરપિંડી ટળી

| Edited By: | Updated on: Apr 25, 2026 | 9:14 PM

અમદાવાદના મણિનગરમાં રહેતા એક સિનિયર સિટીઝન દંપતીને સાયબર ઠગોએ ડિજિટલ એરેસ્ટ કરીને 23 લાખ રૂપિયા પડાવવાનો કારસો રચ્યો હતો. જોકે, અમેરિકા રહેતી દીકરીને શંકા જતા તેણે પાડોશીનો સંપર્ક કર્યો અને પાડોશીની સતર્કતાથી આખું કૌભાંડ ઉઘાડું પડ્યું. પોલીસે સમયસર પહોંચીને વૃદ્ધ દંપતીનું કાઉન્સેલિંગ કર્યું અને પાડોશી મહિલાનું સન્માન પણ કર્યું.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક જાગૃત પાડોશી અને વિદેશમાં રહેતી દીકરીની સતર્કતાને કારણે 70 વર્ષીય વૃદ્ધા અને તેમના પતિની ₹23 લાખની મરણમૂડી ચોરી થતા બચી ગઈ છે.

48 કલાકનો માનસિક ત્રાસ

મણિનગરના તપસ્વી એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત દંપતીના સંતાનો વિદેશમાં હોવાથી તેઓ એકલા રહે છે. સાયબર ઠગોએ તેમને પહેલા પોલીસ અને બાદમાં CBI અધિકારી તેમજ જજ હોવાનો ડોળ કરીને ફોન પર 48 કલાક સુધી ‘ડિજિટલ એરેસ્ટ’માં રાખ્યા હતા. ઠગોએ દંપતી પર એવો માનસિક ડર પેદા કર્યો હતો કે તેઓ કોઈની સાથે વાત પણ કરી શકતા નહોતા. ઠગોએ તેમને બેંકની FD તોડાવીને ₹23 લાખ ટ્રાન્સફર કરવા માટે સતત દબાણ કર્યું હતું.

અમેરિકાથી દીકરીને થઈ શંકા

વૃદ્ધ દંપતીની અમેરિકા રહેતી દીકરી જ્યારે તેમની સાથે ફોન પર વાત કરી રહી હતી, ત્યારે તેને પિતાના વર્તનમાં શંકા ગઈ હતી. તેણે તરત જ પાડોશી મહિલાનો સંપર્ક કરીને ઘરે જઈને તપાસ કરવા વિનંતી કરી. પાડોશી મહિલા જ્યારે ઘરે પહોંચી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો અને તેમણે તુરંત પોલીસને જાણ કરી.

પોલીસે કર્યું પાડોશીનું સન્માન

પોલીસે સમયસર પહોંચીને વૃદ્ધ દંપતીને સાયબર ઠગોની ચુંગાલમાંથી મુક્ત કર્યા હતા. જો આ ભાંડો ન ફૂટ્યો હોત તો બીજા જ દિવસે દંપતી પોતાની આખી જિંદગીની કમાણી ઠગોને હવાલે કરી દેત. પોલીસે પાડોશી મહિલાની સતર્કતા બિરદાવી તેમનું સન્માન કર્યું છે.

બેંકો સાથે યોજાશે બેઠક

આવી ઘટનાઓ અટકાવવા માટે હવે પોલીસ બેંક અધિકારીઓ સાથે બેઠક યોજશે, જેથી જ્યારે પણ કોઈ સિનિયર સિટીઝન મોટી રકમ ઉપાડવા અથવા ટ્રાન્સફર કરવા આવે ત્યારે બેંક સતર્ક રહે. હાલ પોલીસે વૃદ્ધ દંપતીનું કાઉન્સેલિંગ કરીને તેમને આ આઘાતમાંથી બહાર લાવવા પ્રયાસ કર્યો છે.

(ઈનપુટ ક્રેડિટ: મિહિર સોની)

રાઘવ ચઢ્ઢાએ 7 સાંસદો સાથે ધારણ કર્યો કેસરીયો, જાણો પ્રોફેશનલ લાઈફથી પોલિટિક્સ સુધીની સફર

Follow Us