છોટા ઉદેપુરમાં વિકાસ વિના વલખાં: ક્વાંટના કોચાવડ અને કેલાધરા ગામને જોડતા કોઝવેનું ધોવાણ
છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના કોચાવડ અને કેલાધરા ગામોને જોડતો કોઝવે ત્રણ વર્ષ પહેલાં ધોવાઈ ગયો છે. આનાથી ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છોટા ઉદેપુરના કવાંટમાં છેવાડાના ગામ સુધી હજુ સુધી વિકાસ ન પહોંચ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર આવેલા કોચાવડ અને કેલાધરા ગામને જોડતા કોઝવેનું ધોવાણ થઈ જતા ગ્રામજનો 3 વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે. આ બંને ગામ વચ્ચેથી દૂધવાલ કોતર પસાર થાય છે. તેથી બંને ગામો વચ્ચે કોઝવે તો બનાવવામાં આવ્યો. પરંતુ 3 વર્ષ પહેલા ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહમાં આ કોઝવે ધોવાઈ ગયો. ત્યારે આ કોઝવે પરથી ચાલીને જઈ શકાય તેવી સ્થિતિ નથી તો વાહનોની તો વાત જ ક્યાંથી થાય?
ચોમાસામાં આ માર્ગ અવર જવર માટે બંધ જ થઈ જતા. બંને ગામ સંપર્ક વિહોણા બની જાય છે. બંને ગામોની સીમમાં એકબીજા ગામના ખેડૂતોની જમીન હોવાથી ચોમાસામાં ખેડૂતોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે. કોતરમાં પાણી આછું થાય તો ગ્રામજનો જોખમી રીતે તૂટેલા કોઝવેની પાળ પરથી ચાલીને જતા હોય છે. જેથી બંને ગામના લોકો કોતર પર નાનો પૂલ બનાવવા માગ કરી રહ્યા છે.