રાજકોટમાં મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલાના આરોપી દેવાયત ખવડના રિમાન્ડ પૂર્ણ, જેલમાં મોકલવા કોર્ટનો આદેશ
Rajkot: મયુરસિંહ રાણા પર કરાયેલા જીવલેણ હુમલાના આરોપી દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. જો કે કોર્ટે રિમાન્ડ માટેની વધુ માગ ન કરતા કોર્ટે ખવડને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.
રાજકોટમાં મારામારી કેસમાં ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકસાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અગાઉ રિમાન્ડ દરમિયાન દેવાયત ખવડે દાવો કર્યો હતો કે મયુરસિંહ રાણા પરનો હુમલો પૂર્વ આયોજિત ષડયંત્ર ન હતુ. મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલાના આરોપી દેવાયત ખવડે કોર્ટ સમક્ષ આવો દાવો કર્યો છે. ત્યારે પોલીસે ખવડના વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલેનો આદેશ કર્યો.
મયુરસિંહ પર કરાયેલો હુમલો પૂર્વ આયોજિત કાવતરુ નહીં- દેવાયત ખવડ
2 દિવસના રિમાન્ડ દરમિયાન દેવાયત ખવડે પોતાનો બચાવ કરતા પોલીસ સમક્ષ દાવો કર્યો કે હુમલો પૂર્વ આયોજિત કાવતરૂ નહોતું. પોતે જ્યારે સર્વેશ્વર ચોક નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક મયુરસિંહ રાણા મળ્યા હતા અને મારામારી સર્જાઈ હતી. ત્યારે દેવાયત ખવડના વકીલે જણાવ્યું છે કે ટુંક સમયમાં તેઓ જામીન માટે કોર્ટમાં અરજી કરશે. દેવાયતના વકીલે જણાવ્યુ કે પ્રોસિક્યુટિંગ એજન્સી તરફથી વધુ રિમાન્ડની અરજી કરવામાં આવી નથી. આથી તેમને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જેવી જામીન અરજી દાખલ થશે ત્યારબાદ તેઓ વધુ ટિપ્પણી કરશે તેમ જણાવ્યુ હતુ.
પીએમઓમાં કરેલી ફરિયાદમાં 2021માં થયેલી ઘટનાનો પણ ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે ફરિયાદી મયુરસિંહે PMOમાં કરેલી ફરિયાદમાં 2021માં થયેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તથા આ મામલે તટસ્થ તપાસની માગ કરી છે. મહત્વપૂર્ણ છે કે પોલીસની ધરપકડથી બચવા દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરાવાની હતી.જો કે સુનાવણી પહેલા જ દેવાયત ખવડ ક્રાઈમ બ્રાંચમાં હાજર થયો હતો.