બનાસકાંઠામાં (Banaskantha) પુરતી વીજળી (Electricity) આપવાની માગ સાથે સતત ચોથા દિવસે ખેડૂતો ધરણા (Protest) પર છે. બનાસકાંઠાના ખેડૂતો સરકાર પાસે પૂરતી વીજળી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. તો ખેડૂતોને પૂરતી વીજળી આપવાની માગના મુદ્દે બનાસકાંઠાના દિયોદરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. દિયોદર ગ્રામ પંચાયતના વેપારીઓ અને સ્થાનિક લોકોએ બંધ પાળી ખેડૂતોને સમર્થન આપ્યું છે. છેલ્લા ચાર દિવસથી પૂરતી વીજળીની માગસાથે ખેડૂતો વીજ સબ સ્ટેશન પર ધરણા પર બેઠા છે.
મહત્વનું છે કે ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ આજથી ખેડૂતોને 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. તો અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી આપવાની પણ ખાતરી આપી છે. સાથે જ ખેડૂતોને પુરતો વીજ પુરવઠો મળે તેની વ્યવસ્થા થશે તેવુ પણ જણાવ્યુ છે. જો કે બીજી તરફ અનેકવાર વાયદો કરવા છતા વીજળી પુરતી ન મળતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. છેલ્લા મહિનાથી ખેડૂતો અપુરતી વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વાતનો સ્વીકાર UGVCLના ગાંધીનગરના એક્ઝીક્યુટિવ એન્જિનિયરે પણ કરેલો છે.
બીજી તરફ ગઇકાલે એટલે કે શુક્રવારે ભારતીય કિસાન સંઘે સરકારની સામે પુરતી વીજળીની માગ સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી. 72 કલાકની અંદર ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળે તો ભારતીય કિસાન સંઘે વિવિધ સ્થળે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી. કિસાન સંઘે 8 કલાક પૂરતી વીજળી આપવાની માગ કરી છે. ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીએ કહ્યું કે- અગાઉ પણ 8 કલાક વીજળીની માંગ કરી હોવા છતાં સરકાર 6 કલાક જ વીજળી આપી રહી છે.. 6 કલાક વીજળીમાં યોગ્ય વીજ પુરવઠો ન મળતાં ખેડૂતોને નુક્સાન થઈ રહ્યું છે. ખેડૂતોનો પાક બળી જાય છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-