ડાંગમાં વરસાદી માહોલ જામતા પ્રકૃતિએ વેર્યા કામણ, સોળે કળાએ ખીલ્યુ કુદરતી સૌદર્ય- જુઓ Video
ડાંગમાં વરસાદી માહોલ જામતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારે તરફ હરિયાળી છવાઈ જતા વાતાવરણ એકદમ રમણીય બન્યુ છે. ખાસ કરીને શંકર ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ગુજરાતનો ડાંગ જિલ્લો તેના કુદરતી સૌદર્ય માટે જાણીતો છે. કુદરતે અહીં વીણી વીણીને સૌદર્ય વેર્યુ છે. અહીં પહાડો પરથી વહેતા ઝરણાનો અદ્દભૂત નજારો માણવા મળે છે તો વરસાદી સીઝનમાં ચારેબાજુ હરિયાળી છવાઈ જતા વાતાવરણ એકદમ મનમોહક બની જાય છે. પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દૃશ્યો માણવા હોય તો પ્રકૃતિપ્રેમીઓએ ડાંગ જવુ જ પડે.
પ્રવાસીઓના આકર્ષણ સમો શંકર ધોધ સક્રિય
હાલ ડાંગમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલ જામતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારે તરફ મનને રોમાંચ અને આનંદથી ભરી દેતા દૃશ્યો માણવા મળે છે. આહવા અને સાપુતારા મુખ્ય માર્ગ પર પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર એવો શંકર ધોધ સક્રિય થયો છે. બીજી તરફ સારો વરસાદ થતા તળાવો, નદીઓ અને જળાશયો પણ છલોછલ જોવા મળી રહ્યા છે. એક તરફ ખળ-ખળ નદીઓ વહી રહી છે. પહાડો પરથી ઝરણાઓ વહી રહ્યા છે અને ધોધનું અલૌકિક સૌદર્ય ખીલ્યુ છે અને ચારે બાજુ હરિયાળી છવાઈ જતા ખરા અર્થમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.
વિકેન્ડમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
આ તરફ વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે. ચેકડેમ ઓવરફ્લો થયા છે અને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે. વરસાદી માહોલથી સ્થાનિકો અને પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અહીં વિકેન્ડમાં પ્રવાસીઓનો ધસારો વધતા ટ્રાફિકજામના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે કુદરતી સૌદર્ય માણવા આવેલા લોકોનો પાર્કિંગ શોધવામાં સમય વ્યય થયો હતો. ત્યારે પ્રવાસીઓની પણ માગ ઉઠી છે કે પર્યટકો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
Input Credit- Ronak Jani- Dang
ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?