નવસારીમાં બ્યુટીફિકેશનના નામે વિકસાવેલા તળાવમાં ખાયકી ! કામમાં વેઠ ઉતારી હોવાના પુરાવાઓ આવ્યા સામે, જુઓ વીડિયો
નવસારીમાં બ્યુટીફિકેશનના નામે વિકસાવવામાં આવેલ મફતલાલ તળાવના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. નવસારીમાં પડેલા પહેલા જ વરસાદે, મફતલાલ તળાવના વિકાસના કામની પોલ ખોલી નાખી છે. ઠેર ઠેર કામના નામે વેઠ ઉતારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
નવસારી મહાનગરપાલિકા બનવા સાથે જ વિકાસની હરણફાળ ભરવા તૈયાર છે, પરંતુ આ વિકાસમાં ભ્રષ્ટાચારની કાળી ટીલી લાગે એવી સ્થિતિ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નિર્માણાધિન મફતલાલ તળાવમાં બની છે. તળાવના કરોડોના બ્યુટિફિકેશનના કામમાં તળાવની ફરતે બનાવવામાં આવેલ પાળા અનેક ઠેકાણે બેસી જતા, સ્થાનિકોએ બેદરકાર કોન્ટ્રાકટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.
નવસારીને તાજેતરમાં જ રાજ્ય સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. મહાનગરપાલિકા બનતા જ સરકાર દ્વારા શહેરમાં વિકાસના કાર્યો હાથ ધરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. જેમાં નવસારી વિજલપોર પાલિકા હતી તે સમયે, નવસારીના પશ્ચિમ ભાગમાં આવેલ ગૌરીશંકર મોહલ્લા નજીકના મફતલાલ તળાવના બ્યુટિફિકેશન, અમદાવાદ શહેરના તળાવની માફક વિકાસ કરવા માટે ત્રણ કરોડથી વધુના ખર્ચે કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જો કેનવસારી પાલિકામાંથી મહાનગરપાલિકા બનતા જ મફતલાલ તળાવના વિકાસના કામને ઝડપ મળી.
મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી મોટા તળાવને પીવાના પાણીના પ્રોજેક્ટ માટે પણ ઉપયોગમાં લેવા સાથે તળાવની પાળે વોક વે બનાવી ત્યાંના સ્થાનિકો માટે સુવિધા ઉભી કરવાનું આયોજન કર્યું છે. પરંતુ તળાવને પાણી સંગ્રહ સાથે સુંદર બનાવવા માટેનું કામ કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થવા સાથે કામમાં ગુણવત્તા ના જળવાતા ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. કારણ તળાવની પાળ ઉપર એપ્રોચની રબલની પાળ પહેલા જ વરસાદમાં બેસી ગઈ છે. જેમાં ઉપયોગમાં લીધેલી સિમેન્ટ પણ હલકી ગુણવત્તાની હોવાની ચાડી ખાય છે. તળાવ ફરતે વોક વે બનાવવા બીમ કોલમ ઉભા કરવામાં આવ્યા છે, એમાં પણ તિરાડો પડી છે અને સરફેસ ઝીગઝેગ જેવી છે.