રાજકોટ અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્ય તિથિએ કોંગ્રેસે આપ્યુ બંધનું એલાન, તમામ વેપારીઓને બંધમાં જોડાવા શક્તિસિંહની અપીલ- Video

|

Jun 24, 2024 | 7:31 PM

25મી મે નો એ ગોજારો દિવસ જ્યારે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભયાનક આગમાં એકસાથે 28 જિંદગીઓ ભડથુ થઈ ગઈ અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. આ ઘટનાને 25મી જૂને એક મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસે શહેર બંધનું એલાન આપ્યુ છે.

રાજકોટમાં ગત 25મી મે એ ટીઆરપી ગેમઝોનમાં થયેલા લાગેલી આગમાં 28 જિંદગીઓ બળીને ભડથુ થઈ ગઈ હતી. આ ઘટનાને 25મી જૂને એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ છે. કોંગ્રેસે શહેરના તમામ વેપારીઓ અને ધંધાર્થીઓને બંધનું સમર્થન કરી ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરી છે. કોંગ્રેસ આ મુદ્દાને સંસદમાં પણ ઉઠાવવાની તૈયારી કરી લીધી છે. ખુદ રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી તેમને ન્યાય અપાવવા આશ્વાસન આપ્યુ હતુ.

આ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ રાજનીતિનો નહીં માનવતાનો સાથ આપવાનો સમય છે. કાલે રાજકોટ સંપૂર્ણ પણે બંધ પાળીને ઘટનાનો વિરોધ નોંધાવે. શક્તિસિંહે કહ્યુ અમારી ટીમો બજારમાં નીકળશે, તોડફોડ કે વિરોધ નહીં કરે. અમે વેપારીઓ અને નાગરિકોને હાથ જોડીને બંધ પાળવા અપીલ કરીશુ. જો કે, સાથે એવી અપીલ પણ કરી કે, જે વેપારી અડધો દિવસ બંધ ન રાખે, તેનો વીડિયો બનાવજો. બંધ ન પાળનારા પાસેથી ખરીદી કરવાનું ટાળજો.

આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને સ્કૂલો અને વેપારીઓને બંધમાં ન જોડાવા પોલીસ દબાણ કરતી હોવાનો આરોપ લગાવ્યો.

કોંગ્રેસના આ બંધના એલાનને બાર એસોસિશને ટેકો આપ્યો છે અને માત્ર અરજન્ટ કેસ સિવાય કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ બંધના એલાનને લઈને અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોનો મત થોડો અલગ છે. પીડિત પરિવારો કહી રહ્યા છે કે, ચોક્કસથી કડક અને ઝડપી કાર્યવાહીની જરૂર છે પરંતુ આ મુદ્દે રાજનીતિ થાય તે યોગ્ય નથી.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

Next Video