મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ, AMCના અધિકારીઓ સાથે જોશે મુવી,જુઓ Video

|

Nov 20, 2024 | 2:05 PM

ગોધરા કાંડની ઘટનાઓ પર આધારિત "ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ છે. પીએમ મોદી અને અમિત શાહે ફિલ્મની સરાહના કરેલી છે, જેમાં ખોટા નરેટિવનો ખુલાસો કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ફિલ્મ જોવાના છે. ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશી ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે.

ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15 નવેમ્બરે રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ સરાહના કરેલી છે. જે પછી હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ફિલ્મ નિહાળવાના છે. જેના માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ અમદાવાદના એક થિયેટરમાં નિહાળવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ AMCના પદાધિકારીઓ સાથે આ ફિલ્મ નિહાળશે.
આજે સાંજે સિટી ગોલ્ડ સિનેમા ખાતે તેઓ આ ફિલ્મ નિહાળવાના છે.જેના માટે ત્યાં ખાસ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

PM મોદીએ કરી હતી સરાહના

વડાપ્રધાન મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની સરાહના કરી છે. તેમણે ફિલ્મને ‘ફેક નેરેટિવ અને અપપ્રચાર’ને દુર કરનારી ગણાવી છે. ‘ધ સાબરમતી રિપોર્ટ’નાં સર્જકોને સોશિયલ મીડિયા પર પણ તેમણે બિરદાવ્યા છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતુ કે, સમય જતાં સત્ય સામે આવી જ જાય છે. ફિલ્મના માધ્યમથી સત્ય સામે આવ્યું છે અને સામાન્ય લોકો તેને જોઇ શકે છે. ખોટી ધારણાઓ અલ્પજીવી, તથ્ય સામે આવી જ જાય છે. આલોક ભટ્ટ નામનાં હેન્ડલે કરેલી પોસ્ટને PMએ શૅર કરી હતી.

અમિત શાહે પણ કરી પોસ્ટ

સાબરમતી એક્સપ્રેસ ફિલ્મ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોસ્ટમાં લખ્યુ કે ઈકો સિસ્ટમ ગમે તેટલી મજબૂત હોય સત્ય બહાર આવી જ જાય છે. ફિલ્મમાં સત્યને છુપાવનારા તત્વોનો પર્દાફાશ થયો છે.

મહત્વનું છે કે આ ફિલ્મ વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને કરાયેલી આગચંપી અને ત્યારબાદ બનેલી ઘટનાઓ પર આધારીત છે. ફિલ્મમાં કેવી રીતે સત્યને તોડી મરોડી રજૂ કરવામાં આવે છે તેવી કથા છે. ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશી ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ મુખ્ય ભૂમિકામાં છે. અગાઉ અભિનેતા વિક્રાંત મેસીએ કબુલ્યુ હતુ કે તેને ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ માં કામ કરવા બદલ ધમકીઓ પણ મળી હતી.

Published On - 2:00 pm, Wed, 20 November 24

Next Video