છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટ, ભરેલું તળાવ છતાં ખેતરો સુધી નથી પહોંચી શક્તુ પાણી, પાકને વ્યાપક નુકસાન
છોટાઉદેપુર જિલ્લાના કુંદનપુરમાં ખેડૂતો સિંચાઈના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જિલ્લાનું સૌથી મોટું તળાવ નજીક હોવા છતાં, 15 વર્ષ જૂની તૂટેલી કેનાલોને કારણે ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી. આનાથી પાકને નુકસાન થાય છે અને ખેડૂતો તળાવના નવીનીકરણ અને રક્ષણ દીવાલની માંગ કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંદનપુરમાં ખેડૂતો સિંચાઈના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જિલ્લાનું સૌથી મોટું તળાવ નજીક હોવા છતાં, આસપાસના ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી. લગભગ 15 વર્ષ પહેલાં બનાવવામાં આવેલી માઇનોર કેનાલો જર્જરિત થઈ ગઈ છે, જેના કારણે તળાવનું પાણી ખેતરો સુધી પહોંચતું અટકી ગયું છે. ચોમાસામાં પાણીથી છલોછલ ભરાતું કુંદનપુર તળાવ દિવાળી સુધીમાં ખાલીખમ થઈ જાય છે, કારણ કે ભૂગર્ભજળ સ્તર સતત નીચે જઈ રહ્યું છે.
એક સમયે લીલાછમ રહેતા ખેતરો આજે પાણીના અભાવે બંજર બનવાની સ્થિતિમાં છે. ખેડૂતોની માંગ છે કે કુંદનપુર તળાવની માઇનોર કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે, જેથી આસપાસના 6 થી 7 ગામોને સિંચાઈ માટે પાણી મળી શકે. ખેડૂતો જણાવે છે કે 500 કિલોમીટર દૂર સુધી નર્મદાનું પાણી પહોંચે છે, પરંતુ માત્ર 2 કિલોમીટર દૂર આવેલા કુંદનપુર ગામ સુધી પાણી નથી પહોંચતું. આ ઉપરાંત, ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકને થતા નુકસાનથી બચવા તળાવ ફરતે સંરક્ષણ દીવાલ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. તંત્ર ખેડૂતોની આ સમસ્યાને ગંભીરતાથી લે તેવી અપીલ કરવામાં આવી છે.
Input Credit- Maqbul Mansuri- Chhota Udepur
