Surat Breaking: સુરતના સારોલીમાં આવેલી સંગિની માર્કેટમાં ફરી ભીષણ આગ, ફાયર જવાન ઇજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ
સુરતના સારોલી સ્થિત સંગિની ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે ફરી ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવતી વખતે એક ફાયર જવાન ઇજાગ્રસ્ત થયા છે. ગીચ બાંધકામ અને ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે આ ઘટનાએ સુરક્ષા સામે સવાલો ખડા કર્યા છે.
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી. માર્કેટના બીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠતાં દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા જોવા મળ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ કામગીરી દરમિયાન એક ફાયર જવાન ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
કાપડ માર્કેટોમાં જ્વલનશીલ કાપડનો મોટો જથ્થો, ગીચ દુકાનો અને ગોડાઉનો, શોર્ટ સર્કિટ કે વાયરિંગ ઓવરલોડિંગ અને યોગ્ય ફાયર એક્ઝિટનો અભાવ આવી દુર્ઘટનાઓ માટે મુખ્ય કારણ બને છે. સાંકડી જગ્યાઓના લીધે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડે છે, જેનાથી માર્કેટોના ફાયર સેફ્ટી ઓડિટ સામે ફરી ગંભીર સવાલો ઉભા થયા છે.