Breaking News : વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ, સાણંદમાં ભવ્ય રોડ શો અને જાહેરસભાને સંબોધન કરશે
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે, જેમાં દેશને પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ઐતિહાસિક ભેટ મળશે. બપોરે 3 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે સાણંદ જશે.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે, જેમાં દેશને પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ઐતિહાસિક ભેટ મળશે. બપોરે 3 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે સાણંદ જશે.
સાણંદ ખાતે વડાપ્રધાન Micron Technology Indiaના અદ્યતન સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) પ્લાન્ટનું બપોરે 3:45 કલાકે ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં કરવામાં આવ્યું હતું અને ₹22,500 કરોડથી વધુના ખર્ચે તેની મંજૂરી બાદ ઝડપી ગતિએ બાંધકામ શરૂ કરાયું હતું. હવે આ પ્લાન્ટમાંથી પ્રથમ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થવાનું છે.
આ ઉદ્ઘાટન ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. નિષ્ણાતોના મત અનુસાર, સાણંદ ATMP સુવિધા ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં મજબૂત સ્થાન અપાવશે અને ‘આત્મનિર્ભર ભારત’ના સપનાને વેગ આપશે. કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનનો સાણંદમાં ભવ્ય રોડ શો પણ યોજાશે અને તેઓ જાહેરસભાને સંબોધન કરશે.
શું છે સેમિકન્ડક્ટર?
સેમિકન્ડક્ટર એક એવી ચિપ છે, જેમાં વીજળીના સુવાહક અને અવાહક બન્ને ગુણધર્મો હોય છે. આ વિશેષતા કારણે વીજ પ્રવાહને નિયંત્રિત કરી શકાય છે. તે એક પ્રકારની ‘સ્વીચ’ તરીકે કાર્ય કરે છે અને સર્કિટમાં વીજળીના પ્રવાહને કંટ્રોલ કરે છે. આજના યુગમાં મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ, કાર, કેમેરા, મેડિકલ ઉપકરણો સહિત લગભગ તમામ ઇલેક્ટ્રોનિક સાધનોમાં સેમિકન્ડક્ટર ચિપ મગજ સમાન ભૂમિકા ભજવે છે.
સાણંદમાં શરૂ થતી આ અદ્યતન સુવિધા ભારતને ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મક્કમ પગલું સાબિત થશે અને દેશને વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ઉભું કરવામાં સહાયક બનશે.