યુદ્ધની સ્થિતિ બાદ મોરબીના સિરામીક ઉદ્યોગે ફરી પકડી રફ્તાર, 350 થી વધુ યુનિટ થયા ધમધમતા- Video
ગેસ કટોકટીના કારણે દોઢ મહિના સુધી ઠપ્પ રહ્યા બાદ મોરબીનો સિરામિક ઉદ્યોગ પુનઃ જીવંત થયો છે. સિરામિક એસોસિયેશન પ્રમુખના જણાવ્યા અનુસાર મોટાભાગના યુનિટો કાર્યરત થયા છે, પરંતુ ગલ્ફ દેશોમાં નિકાસ ઠપ્પ થતા અને વધતા ઉત્પાદન ખર્ચને કારણે ઉદ્યોગકારો સામે આર્થિક પડકારો યથાવત છે.
મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધની અસરોને કારણે છેલ્લા દોઢ મહિનાથી ગેસની ભારે કટોકટી સર્જાતા મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ લગભગ ઠપ્પ થઈ ગયો હતો. જોકે, હવે ગેસ પુરવઠામાં સુધારો થતા આ ઉદ્યોગ ફરી એકવાર પાટા પર આવતો જોવા મળી રહ્યો છે. ઉત્પાદન પર પડેલી ભારે અસર બાદ હવે પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે અને કારખાનાઓમાં મશીનરીના ધમધમાટ સંભળાઈ રહ્યા છે.
350 થી વધુ યુનિટો કાર્યરત
સિરામિક એસોસિયેશન પ્રમુખના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 350 થી વધુ સિરામિક યુનિટોએ પોતાનું ઉત્પાદન ફરી શરૂ કરી દીધું છે. બાકી રહેલા એકમો પણ આગામી સમયમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. દોઢ મહિનાના લાંબા વિરામ બાદ ઉદ્યોગ ફરી ગતિ પકડી રહ્યો છે, જે મજૂરો અને વેપારીઓ માટે રાહતના સમાચાર છે.
નિકાસ અને આર્થિક પડકારો
ઉદ્યોગ શરૂ થયો છે પણ પડકારો હજુ ઘટ્યા નથી. યુદ્ધના કારણે ગલ્ફ દેશોમાં થતું સિરામિકનું એક્સપોર્ટ હાલ લગભગ બંધ છે. માત્ર અન્ય દેશોમાં નિકાસ ધીમે ધીમે શરૂ થઈ છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ડોલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય ઘટતા ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
સરકાર પાસે રાહતની માગ
આ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઉદ્યોગકારોમાં ચિંતા જોવા મળી રહી છે. સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે હાલમાં લાગતા 6 ટકા ગેસ વેટેજ પર રાહત આપવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે. એક તરફ ઉદ્યોગ જીવંત બની રહ્યો છે, તો બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ટકી રહેવું એ મોરબી માટે મોટો પડકાર છે.
શું પતિ અને પત્ની બંનેને મળશે PM કિસાન યોજનાના પૈસા? જાણો કોણ છે આ સહાય માટે પાત્ર અને ક્યારે આવશે તમારા ખાતામાં 23મો હપ્તો!
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
