Breaking News : શેરબજારમાં વધુ નફાની લાલચ આપતા મેસેજથી સાવધાન રહેજો, ટ્રેડિંગ ટીપ્સ મોંઘી પડશે
અમદાવાદમાં શેરબજારના નામે છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ વોટ્સએપ મારફતે લોકોનો સંપર્ક કરી તેમને રોકાણ પર માસિક 200 ટકા નફાની લાલચ આપીને છેતરપીંડી કરતી હતી. એટલું જ નહીં આ ઠગ ત્રિપુટી મ્યુલ એકાઉન્ટ પણ ભાડે આપીને કમિશન મેળવતી હતી.
અમદાવાદમાં શેરબજારના નામે છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જીતેન્દ્ર બુહા, શૈલેષ રંગપરીયા અને પિયુષ સોલંકીની છેતરપીંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઠગ ટોળકીએ શેર બજારમાં રોકાણ કરવાના બહાને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો 30 ઓગસ્ટ 2025ના રોજ આરોપીઓએ વોટ્સએપ મારફતે ફરીયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમા શેરબજારમાં રોકાણ પર માસિક 200 ટકા જેટલું વળતર મળશે તેવી લોભામણી ઓફર આપવામાં આવી હતી.
ત્રિપુટી ગેંગનો પર્દાફાશ
આરોપીએ ફરીયાદીને Stock Market Forum 38 નામના વોટ્સએપ ગ્રુપમાં એક લિંક મોકલીને જોડાવ્યો હતો. આ ગ્રુપમાં સ્ટોક માર્કેટ સંબંધિત માહિતી, ચાર્ટ એનાલિસિસ અને ટ્રેડિંગ ટીપ્સ આપી વિશ્વાસ જીતવામાં આવ્યો હતો અને વિશ્વાસમાં લીધા બાદ આરોપીઓએ રોકાણના નામે ફરીયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 17 લાખ 90 હજાર રૂપિયા જમા કરાવીને છેતરપીંડી આચરી હતી. સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલીસીસના આધારે ત્રિપુટી ગેંગનો પર્દાફાશ કરીને ધરપકડ કરી છે.
મિશન લઈ ગેરકાયદેસર કમાણી
સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ જીતેન્દ્ર બુહા, શૈલેષ રંગપરીયા અને પિયુષ સોલંકી સુરતના રહેવાસી છે.આ ત્રિપુટી ગેંગ બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડનો ઉપયોગ કરીને ઠગાઈ કરતી હતી. આરોપીઓ અન્ય લોકોના બેંક એકાઉન્ટ કમિશન પર લઈ તેનો ઉપયોગ કરતા હતા. ફ્રોડના પૈસા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કમિશન લેવામાં આવતું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે ,આરોપી જીતેન્દ્ર બુહાએ શૈલેષ રંગપરીયાના કહેવાથી એક્સિસ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તે ખાતા સાથે જોડાયેલ સિમ કાર્ડ પણ શૈલેષ રંગપરીયાને સોંપી દીધું હતું. જ્યારે શૈલેષ રંગપરીયાએ આ એકાઉન્ટ અને સિમકાર્ડ પોતાના અન્ય સાથીદારોને લખનઉમાં જઈને કમિશન પર આપ્યા હતા. આ એકાઉન્ટમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી તેમાંથી કમિશન લઈ ગેરકાયદેસર કમાણી કરવામાં આવતી હોવાનું ખુલ્યું છે.
શેરબજારમાં વધુ નફાની લાલચ આપતા આવા મેસેજથી સાવચેત રહેવાની અને કોઈપણ અજાણી લિંક અથવા ઓફર પર વિશ્વાસ કરતા પહેલા ચકાસણી કરવાની સાયબર ક્રાઇમ અપીલ કરી છે. હાલમાં આ ત્રિપુટી ગેંગની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે.