Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન…CM દાદાએ પૂરું કર્યું !” જુઓ Video

| Updated on: Feb 07, 2026 | 4:35 PM

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં એક વર્ષ પહેલાં આપેલો વાયદો પૂરો કર્યો છે. દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સામ્યાને મળવા તેઓ એક વર્ષ બાદ શાળાએ પહોંચ્યા હતા. તેમણે બાળકો સાથે સમય વિતાવ્યો અને સામ્યાના ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા. સામ્યાએ મુખ્યપ્રધાનને "દાદા" કહીને સંબોધતા મુલાકાત હૃદયસ્પર્શી બની હતી.

ક્યારેક નાનકડી બાળકીનો એક નિર્દોષ પ્રશ્ન પણ ઇતિહાસ બની જાય છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ-1ની વિદ્યાર્થીની સામ્યાએ એવો જ એક પ્રશ્ન કર્યો હતો, જે આજે આખા રાજ્યમાં ભાવનાનું પ્રતીક બની ગયો છે.

એક વર્ષ પહેલાં વીડિયો કોલ દરમિયાન સામ્યાએ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને માસૂમ અવાજમાં પૂછ્યું હતું, “દાદા, તમે અમારી શાળામાં અમને મળવા ક્યારે આવશો?”

આ પ્રશ્ન માત્ર એક બાળકીની ઇચ્છા નહોતો, પરંતુ એક વિશ્વાસ હતો અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ વિશ્વાસને વચનમાં ફેરવ્યો. તેમણે વચન આપ્યું કે એક દિવસ ચોક્કસ તે નાનકડી દીકરીની શાળાએ આવશે.

સમય વીત્યો… અને બરાબર એક વર્ષ પછી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પોતાનું વચન સાકાર કર્યું. તેમણે બનાસકાંઠાની  ઉત્તમપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને બાળકો વચ્ચે જઈને એક નેતા નહીં, પરંતુ પરિવારના “દાદા” બની ગયા.

શાળાના આંગણે ખુશી છલકાઈ રહી હતી. બાળકોના ચહેરા પર ઉત્સાહ હતો અને સામ્યાની આંખોમાં તો આનંદના દીવા પ્રગટ્યા હતા. મુખ્યપ્રધાનને સામે જોઈને તેણે ફરી એકવાર પ્રેમથી કહ્યું “દાદા!”

સામ્યાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે તે હંમેશા મુખ્યપ્રધાનને ટીવી પર જોતી હતી અને તેથી જ તેને લાગતું હતું કે તેઓ પોતાના પરિવારના જ દાદા છે. ધોરણ-1ની બાળકીની આ નિર્દોષ લાગણીને મુખ્યપ્રધાને પણ દિલથી સ્વીકારી. તેમણે સામ્યાના માથે હાથ ફેરવી આશીર્વાદ આપતા કહ્યું કે તે આગળ જઈને મન લગાવીને ભણે અને એક દિવસ કલેક્ટર બને.

મુખ્યપ્રધાન સાથે મળીને સામ્યાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, “દાદા, મેં તમને ટીવીમાં જોયા હતા ત્યારે જ લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો. એટલે તમને દાદા કહીને બોલાવ્યા. આજે તમે ખરેખર અમને મળવા આવ્યા એટલે મને બહુ આનંદ થાય છે.”

આ મુલાકાત માત્ર એક વચન પાલન પૂરતી નહોતી પરંતુ સામાન્ય જનતા સાથે ખાસ કરીને બાળકો સાથે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના લાગણીસભર અને સીધા સંબંધની ઝાંખી હતી.

ઉત્તમપુરા પ્રાથમિક શાળાના બાળકો માટે અને ખાસ કરીને નાનકડી સામ્યા માટે આ દિવસ એક અવિસ્મરણીય યાદ બની ગયો છે એક એવી યાદ જેમાં એક બાળકીનું સ્વપ્ન, એક નેતાનું વચન અને માનવિય લાગણીઓ એકસાથે જીવંત બની ગઈ.

ખેડૂતો ALERT ! ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published on: Feb 07, 2026 04:21 PM
Follow Us
Loading...
Unable to load recommendations.