Bhavnagar Breaking News : ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6નાં મોત ! જુઓ Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર આજે 06 ઓક્ટોબરના રોજ અકસ્માત સર્જાતા 6 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો અનુસાર, એક ફોરવ્હીલ કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી જતા કારમાં સવાર છ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર આજે 06 ઓક્ટોબરના રોજ અકસ્માત સર્જાતા 6 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો અનુસાર, એક ફોરવ્હીલ કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી જતા કારમાં સવાર છ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં સવાર લોકો અલંગ સ્થિત શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઈવે પર તેમની કાર આગળ જઈ રહેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. જેના કારણે કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતમાં 6 લોકોના મોત
અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં અલંગ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે અંગે તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે
અકસ્માતના પગલે હાઈવે પર પણ થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અકસ્માત અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે. નોંધનીય છે હાઈવે પર ભારે વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે. ત્યારે આ ગોઝારા અકસ્માતને પગલે હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ ફરી સવાલો ઉભા થયા છે.