અમદાવાદ રેલવે સ્ટેશન પર ઐતિહાસિક સિદ્ધિ – બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી દોડશે ટ્રેનો, 3 નવા પ્લેટફોર્મનું CRS નિરીક્ષણ પૂર્ણ
અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે નવનિર્મિત પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 તેમજ અસારવા-સાબરમતી બાયપાસ લાઇનનું રેલવે સંરક્ષા કમિશનરે સફળ નિરીક્ષણ કર્યું છે.
અમદાવાદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને યાર્ડ રિમોડેલિંગ અંતર્ગત પશ્ચિમ રેલવેએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશમાં પ્રથમ વખત મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ નિર્મિત બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે ભારતીય રેલવેની પરંપરાગત ટ્રેનો દોડશે. રેલવે સંરક્ષા કમિશનર (CRS) દ્વારા નવનિર્મિત બ્રોડગેજ લાઇન નંબર 16, 17, 18 અને પ્લેટફોર્મ નંબર 10, 11, 12નું સુરક્ષા નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ સાથે અસારવા-સાબરમતી ‘એ’ કેબિન વચ્ચે નવી બ્રોડગેજ બાયપાસ લાઇન (Y-કનેક્ટિવિટી) તથા અમદાવાદ સ્ટેશન અને કાંકરિયા ડેપો વચ્ચે 5મી રેલવે લાઇનનું નિરીક્ષણ પણ સંપન્ન થયું છે. આ પ્રોજેક્ટથી ટ્રેનોના ટ્રાફિક સંચાલનમાં સરળતા રહેશે.
ડીઆરએમ ના જણાવ્યા મુજબ, જુલાઈ 2022થી બંધ પ્લેટફોર્મ નંબર 10 સહિત 11 અને 12 પર હવે ટૂંક સમયમાં વંદે ભારત, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો શરૂ થશે. આધુનિક એન્જિનિયરિંગનો આ અદભુત સમન્વય અમદાવાદના રેલવે નેટવર્કની કાર્યક્ષમતામાં મોટો વધારો કરશે અને મુસાફરોની સફર વધુ ઝડપી બનાવશે.
