Breaking News: ઓવર સ્પીડ વાહન ચલાવનારા સાવધાન! SG હાઈવે, ગાંધીનગર-ચિલોડા માર્ગ પર લગાવાઈ ‘સિસ્ટમ’ – Video
Ahmedabad-Sarkhej Highway: ઝડપી વાહનો દોડવનારાઓને નિયંત્રણમાં રાખવા માટે હવે ખાસ સેન્સર સાથેની સિસ્ટમ લગાડવામાં આવી છે. આ માટે 2 કંટ્રોલ રુમ દ્વારા નજર રાખવામાં આવશે.
અમદાવાદ SG હાઈવે શહેરના સૌથી વધારે ટ્રાફિક ધરાવતો વ્યસ્ત માર્ગ છે. આ માર્ગ પર દિવસભર ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે. જેને લઈ અકસ્માતનુ જોખમ પણ આ માર્ગ પર વધારે રહેતુ હોય છે. જેને લઈ હવે ટ્રાફિક ઘટાડવા માટે થઈને સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે સરખેજ-ગાંધીનગર હાઈવે પર ઓવર સ્પીડ વાહન ચલાવશો તો ખેર નથી. આ માટે ખાસ સિસ્ટમ લગાડવામાં આવી છે. જેના થકી દરેક વાહનની ગતિ પર નજર રાખી શકાશે અને ઓવર સ્પીડ દોડનારા વાહનોને દંડવામાં પણ આવી શકે છે.
આ સિસ્ટમ સરખેજ ગાંધીનગર સુધીના વિસ્તારમાં જ નહીં પરંતુ ચિલોડા સુધીના સંપૂર્ણ હાઈવે પર લગાડવામાં આવી છે. આ સિસ્ટમ થકી અકસ્માતની ઘટનાઓને ઘટાડી શકાશે, તેમજ પૂરપાટ દોડતા વાહનોને નિયંત્રણમાં રાખી શકવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર માટે આ હાઈવે મહત્વનો હાઈવે છે અને જેના પર વાહનોની ગતિ પર નિયંત્રણ રાખવુ ખૂબ જ જરુરી થઈ ચુક્યુ છે. જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત સર્જાશે.
વધુ ગતિના વાહનને કરાશે એલર્ટ
ઓવર સ્પીડ અકસ્માત સર્જવાના મુખ્ય કારણોમાંથી સૌથી પ્રથમ અને મોટુ છે. આ માટે હવે સરખેજ હાઈવે પર નવા નિર્માણ પામેલા ઓવરબ્રિજ પર લાઈટ પોલ સાથે હવે ખાસ ઉપકરણો લગાડવામાં આવ્યા છે. એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરીને વાહનોની ગતિ પર નજર રાખવામાં આવશે. આ સિસ્ટમ અંતર્ગત સાથે દરેક લેન મુજબ લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા ઝડપી ગતિના વાહનની ઓળખ કરવામાં આવશે. ઓળખ કરાયેલ વાહનની વિગતો તુરત જ કંટ્રોલરુમમાં પહોંચશે. જે વિગતના આધારે તુરત જ વાહનના આરટીઓના ડેટા મુજબ તેમને મોબાઈલ શોર્ટ મેસેજ એલર્ટ પહોંચશે કે તેઓની ગતિ મર્યાદા કરતા વધારે છે. આ માટે તેમને વાહનની ગતિ નિયંત્રિત કરવા માટે પણ એલર્ટ કરવામાં આવશે.
જાણકારી કંટ્રોલ રુપમાં પહોંચવાને લઈને કંટ્રોલ રુમ જરુરી સ્થિતીમાં એલર્ટ થઈને ટ્રાફિક પોલીસ મારફતે પણ કાર્યવાહી કરી શકે છે. હાલમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાને લઈ દંડ ફટકારવામાં આવે છે. આ માટે ઈ-મેમો આપવામાં આવે છે. હવે સંપૂર્ણ રીતે આ સિસ્ટમ કાર્યરત થવા સાથે જ સરખેજ ગાંધીનગર હાઈવે અને ચિલોડા સુધીના માર્ગ પર દોડતા ઓવર સ્પીડને લઈ વાહનચાલકને દંડ પણ મળી શકે છે. જોકે આ માટે હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યુ નથી કે, દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે, કેવી રીતે ઓવરસ્પીડ સામે પગલા ભરાશે.
CCTV અને સેન્સર આધારે સિસ્ટમ કાર્ય કરશે
એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, ખાસ ઉપકરણો લગાડવામાં આવ્યા છે. જેમા સ્માર્ટ વેરિયેબલ મેસેજ સાઈન, વિડીયો ઈન્સિડન્ટ સિસ્ટમ, વિડીયો સિસ્ટમ, વ્હીકલ સ્પીડ ડિટેકશન સિસ્ટમ, મેટ્રોલોજીકલ ડેટા સિસ્ટમ, એર ક્વોલીટી મોનિટરિંગ સિસ્ટમ પણ જોડવામાં આવી છે. આમ ખાસ ઉપકરણો વડે રિયલ ટાઈમ ઓવરસ્પીડ વાહનનો ડેટા અને વિડીયો પણ કંટ્રોલ રુમને મળશે. આ માટે સરગાસણ અને સોલા એમ બે કંટ્રોલ રુમ ઉભા કરવામાં આવ્યા છે.
કંટ્રોલ રુમને ઓવર સ્પીડના વાહનો સાથે, માર્ગ પરની એર ક્વોલિટી, લાઈવ ટ્રાફિક જંક્શન અંગેની સ્થિતી સહિત ઈમર્જન્સી ઘટનાઓ અંગેની જાણકારી ત્વરીત મેળવી શકાશે. એર પોલ્યુશન વધારે હોવાની સ્થિતીમાં કંટ્રોલ રુમને તુરત જ એલર્ટ મળશે. જેથી પ્રદુષણ વધારતા વાહનોને પણ નિયંત્રિત કરી શકાશે. આ સિસ્ટમ ખરાબ હવામાન અને રાત્રીના અંધકાર અને સ્મોક, ધુમ્મસ કે ભારે વરસાદની સ્થિતીમાં પણ કાર્યરત રહે એ પ્રકારે ગોઠવવામાં આવી છે.