વડોદરા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાની કામગીરી થઈ પૂર્ણ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાની દાવેદારીને લઈને પ્રશ્નાર્થ
Vadodara: વડોદરા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ દાવેદારી નોંધાવતા પ્રશ્નાર્થ સર્જાયો છે. ભાજપમાંથી સસ્પેન્ડેડ ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે દિલભાએ ભલામણ કરી હોવાની વાત સામે આવી છે.
વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ કાર્યકરોની સેન્સ લઈ રહી છે. 27 ઓક્ટોબરે શરૂ થયેલી આ કામગીરી આજે અંતિમ ચરણમાં પહોંચી છે. જેમાં વડોદરા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં સસ્પેન્ડ કરાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા દાવેદારીને લઈ પ્રશ્નાર્થ સર્જાયો છે. વાઘોડિયા બેઠક પર દાવેદારી કરવા પહોંચેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ મોકલનાર નિરીક્ષકે ઈનકાર કરી દીધો છે. નિરીક્ષક ચીમન સાપરિયાએ કહ્યુ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરાયા હતા તેવુ તેમના ધ્યાનમાં ન હતુ. આ સમયે દિલુભાઈ ધર્મેન્દ્રસિંહ મળવા માગે છે એવુ કહેતા મુલાકાત આપી હતી.
નિરીક્ષક ચીમન સાપરિયાએ જણાવ્યુ હતુ કે દિલુભા મારી સાથે ધારાસભ્ય મારી ટર્મમાં પાંચ વર્ષ મારી સાથે કામ કરેલુ છે. એ મને ઔપચારિક રીતે મળવા માટે આવેલા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે મારી સમક્ષ વાત મુકી હતી કે ધર્મેન્દ્રસિંહને સારા કાર્યકર્તા છે અને આપને મળવા માગે છે. વધુમાં તેમણે કહ્યુ કે પાર્ટીએ જો એમને સસ્પેન્ડ કર્યા હોય તો એમની યાદી અમે ટીવી મીડિયાને પણ નહીં આપીએ અને પ્રદેશમાં એ બાબતે ચર્ચા પણ કરીશું નહીં.
હાલ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડવાની અગાઉ જ જાહેરાત કરી ચુક્યા છે. મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો હતો કે તેઓ વાઘોડિયા બેઠક પરથી 6 વખત જીત્યા છે અને સાતમી વખત પણ લડશે અને જીતશે, ત્યારે વાઘોડિયા બેઠક પર કોને ટિકિટ મળશે તે પણ જોવુ રહેશે.
