કમળના શાસનમાં જનતા ત્રસ્ત અને નેતા મસ્ત ! તેમના જ કાર્યકર્તાએ જાહેરમાં ‘વિકાસ’ના લીરેલીરા ઉડાવ્યા, વીડિયો થયો વાયરલ

| Updated on: Apr 13, 2026 | 5:49 PM

મહેસાણાના વિસનગરમાં ભાજપના શાસન અને તેના 'વિકાસ'ના દાવાઓ પર ખુદના પક્ષના જ કાર્યકર્તાએ ગંભીર સવાલો ઊભા કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. વર્ષોથી જે વિકાસની વાતો કરવામાં આવતી હતી, તેનું સત્ય હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ખુલ્લું પાડી દીધું છે.

મહેસાણાના વિસનગરમાં ભાજપના એક મહિલા કાર્યકર્તાએ ટિકિટ ન મળતા પક્ષ અને સ્થાનિક કામગીરી સામે મોરચો માંડ્યો છે. લોકગાયક સાગર પટેલની પત્ની રાજવી પટેલે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને વિસનગરના વિકાસના લીરેલીરા ઉડાવ્યા છે. આ વીડિયોમાં તેમણે શહેરના ખરાબ રસ્તા અને ખુલ્લી ગટરોની ગંભીર સમસ્યાઓ મુદ્દે ભારે બળાપો ઠાલવ્યો છે.

રાજવી પટેલે સીધો પ્રહાર કરતા વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, વિસનગરમાં વિકાસના નામે માત્ર શૂન્ય પરિસ્થિતિ છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા કાર્યકર્તા દ્વારા આ રીતે વિકાસના મુદ્દે સરકારને ઘેરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, લોકગાયક સાગર પટેલના પિતા અગાઉ વિસનગર પાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. એવામાં સસરાના શાનસકાળમાં “વિકાસ” મુદ્દે કેમ કોઈ સવાલ ન ઉઠાવ્યા? તેને લઈને હવે આક્ષેપો ઊઠી રહ્યા છે. ટિકિટ ન મળતા રાજવીએ બળાપો કાઢ્યાનો સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે. બીજી તરફ રાજવી પટેલનો દાવો છે કે, બીમાર દાદીને એમ્બ્યુલન્સમાં લઈ જતા ખરાબ રસ્તાને લીધે ભારે હાલાકી પડી અને ત્યારબાદ તેણે આ વીડિયો બનાવવાનું નક્કી કર્યું. વિસનગરના વિકાસ પર ધ્યાન દેવા, તેણે PM અને CMને અપીલ કરી છે.

“ટેક્સ ઉઘરાવો છો તો સુવિધા ક્યાં?”, 565 ફ્લેટના રહિશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ

Published on: Apr 13, 2026 05:48 PM
Follow Us