દાહોદમાં ભાજપના વિકાસે વાળ્યું રાજકીય વેર ! ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારીને લઈ ગયા, જુઓ Video

| Edited By: | Updated on: Apr 30, 2026 | 8:02 PM

ગુજરાતમાં ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ રાજકીય કિન્નાખોરીના દાખલાઓ પણ સામે આવી રહ્યાં છે. આવો જ એક ચોકાવનારો બનાવ આદીવાસી બાહુલ એવા દાહોદથી સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાલ ગામમાં સરકારી ગ્રાન્ટથી નાખવામાંઆવેલ સોલાર લાઈટ, ભાજપના ઉમેદવાર હારી જતા તેમના ટેકેદારો ઉખાડીને સાથે લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાલ ગામમાં ચૂંટણી પરિણામ બાદ રાજકીય તંગદિલીનો માહોલ ઉભો થયો છે. કદવાલ-2 બેઠક પર થયેલી ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં જ, ગામમાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, ઝાલોદના કદવાલ-2 બેઠક પર ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન વસૈયાની હાર થઈ હતી. સુમિત્રાબેનની હાર થતા જ તેમના સમર્થકો રોષે ભરાયા હતા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશ નિસરતાની જીત થતા જ ગામમાં અચાનક ચકચાર મચી ગઈ.

આરોપ એવો લાગ્યો છે કે, વિકાસના બીજ રોપનારી રાજકીય પાર્ટી ભાજપ હાર પચાવી ન શકતા, કિન્નાખોરી દાખવવામાં આવી છે. કેટલાક લોકોએ ગામમાં સરકારી ગ્રાન્ટ હેઠળ લગાવવામાં આવેલી સોલર સ્ટ્રીટ લાઈટો ઉતારી લીધી. આ લાઈટો ગાડીમાં ભરીને લઈ જવામાં આવી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેના કારણે ગામના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.

ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ, મામલો વધુ ગરમાયો છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ ઘટનાને લોકસેવાના સાધનો સાથે ચેડાં ગણાવી, વહીવટી તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ચૂંટણીમાં હારનો બદલો જનતાની સુવિધાઓ છીનવીને લેવો તે કેટલા અંશે યોગ્ય છે ? આવા કૃત્યો સામે કડક પગલાં લેવાં જોઈએ.

હાલમાં આ સમગ્ર મામલે પ્રશાસન શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે, પરંતુ ઘટનાએ ગામમાં રાજકીય તણાવ વધારી દીધો છે.

ગુજરાતની 15માંથી 10 મહાનગરપાલિકાઓમાં વિપક્ષના નેતા પદથી કોંગ્રેસ રહેશે વંચિત !

Published on: Apr 30, 2026 07:06 PM
Follow Us