સાયબર માફિયાઓએ સરકારી અધિકારીઓને પણ ન છોડ્યા ! PGVCL ના MD ના નામે ફેક મેસેજ કરી ખંખેર્યા 45 લાખ
રાજકોટમાં સાયબર ક્રાઈમની એક એવી ઘટના સામે આવી છે જેણે સરકારી આલમમાં ખળભળાટ મચાવી દીધો છે. ઠગબાજોએ PGVCL ના MD કેતન જોશીના નામે નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવી જનરલ મેનેજર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે. મીટિંગમાં હોવાનું કહીને અધિકારીનો વિશ્વાસ જીતનાર આ ટોળકીનું કનેક્શન બિહાર અને પશ્ચિમ બંગાળ સુધી નીકળ્યું છે.
PGVCL અધિકારીની એક ભૂલ અને 45 લાખ સાફ: સાયબર ઠગની નવી ચાલ ભારે પડી, રાજકોટમાં PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) ના અધિકારીઓ સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. સામાન્ય લોકોને જાગૃત કરનારા સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ જ આ વખતે સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ ગયા છે.
કેવી રીતે થઈ છેતરપિંડી?
સાયબર ઠગોએ PGVCL ના MD કેતન જોશીનો ફોટો વોટ્સએપ પ્રોફાઈલ પર લગાવીને જનરલ મેનેજરને મેસેજ કર્યો હતો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યારે તાત્કાલિક એકાઉન્ટમાં 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની જરૂર છે. જનરલ મેનેજરે ખરાઈ કરવા માટે MD ને ફોન કર્યો, પરંતુ તેઓ મીટિંગમાં વ્યસ્ત હોવાથી વાત થઈ શકી નહીં. MD પરના અંધવિશ્વાસમાં આવીને જનરલ મેનેજરે 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
બીજી વખતની માંગણીએ ખોલી પોલ
45 લાખ મળ્યા બાદ લાલચુ ઠગબાજોએ ફરીથી 30 લાખ રૂપિયાની માંગણી કરી. સતત બીજી વખત આટલી મોટી રકમ માંગવામાં આવતા જનરલ મેનેજરને શંકા ગઈ. તેમણે તાત્કાલિક MD કેતન જોશીનો સંપર્ક સાધ્યો અને ત્યારે ખબર પડી કે MD એ આવો કોઈ મેસેજ જ કર્યો નહોતો. આ રીતે સમગ્ર ફ્રોડનો ભાંડો ફૂટ્યો હતો.
તંત્રની કાર્યવાહી
રાજકોટ સાયબર ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફ્રોડમાં વપરાયેલો મોબાઈલ નંબર બિહારનો છે, જ્યારે જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા તે પશ્ચિમ બંગાળના સિલીગુડીનું છે. PGVCL સિવાય અન્ય એક સરકારી વિભાગમાં પણ અધિકારીના નામે 2.50 લાખનું ફ્રોડ થયું હોવાનું ખુલ્યું છે.
હાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જે તે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાદ સરકારી કચેરીઓમાં પણ ઓનલાઈન નાણાકીય વ્યવહાર કરતા પહેલા સાવચેતી રાખવાની સૂચના અપાઈ છે.
(ઈનપુટ ક્રેડિટ: મોહિત ભટ્ટ)