સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી ગયા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ !
ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભાજપના અન્ય પદાધિકારીઓની વારંવારની દિલ્હી મુલાકાતને લઈને વિપક્ષે અનેકવાર, ભૂપેન્દ્ર પટેલ સરકાર પર શાબ્દિક હુમલા કર્યા છે કે, ગુજરાતની સરકાર ગાંઘીનગરથી નહીં પરંતુ દિલ્હી દરબાર ચલાવે છે. નાની નાની વાતોમાં પણ દિલ્હી દરબાર પાસે મંજૂરી લેવી પડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના ગણતરીના દિવસો પૂર્વે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એકાએક દિલ્હી દોડી જતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પીએમ મોદી સાથે ડિસેમ્બરની 19 તારીખે, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડીવાયસીએમ હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકરને થયેલી છેલ્લી સંયુક્ત મુલાકાત બાદ, ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ ભરવાડે, કામના વધુ ભારણ અને અન્ય કામગીરીને ન્યાય આપવાના કારણોસર ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.
ગુજરાતમાં આગામી 12 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વીજીઆરસીનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવવાના છે. આ પ્રસંગને લઈને ગુજરાત આવનારા પીએમ મોદી 2 દિવસ રાજ્યમાં રોકાણ કરશે. પીએમ મોદીની મુલાકાત પહેલા કોઈ જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના ગુજરાતના મુખ્ય પ્રધાન એકાએક દિલ્હી ગયા છે. તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં પીએમને મળીને, તાજેતરની રાજકીય ઘટનાઓથી અવગત કરાવશે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાંથી થતા ભ્રષ્ટાચાર અંગે જાણકારી આપશે. આ ઉપરાંત રાજકોટ ભાજપની સ્થિતિથી પણ અવગત કરાવશે. વાઈબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સમાં જે કરાર થવાના છે તેની પણ જાણકારી આપશે. તાજેતરમાં જ ગુજરાતમાં સ્પેશ સેકટરમાં રોકાણ માટે 6 કંપનીઓએ એમઓયુ કર્યાં છે.
રાજકીય વર્તુળોમાં એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, રાજ્યના પોલીસ મહાનિર્દેશકને કોને બનાવવા. બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ડાયરેકટર તરીકે ગયેલ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી શમસેરસિંહને એકાએક ગુજરાત પાછા મોકલવામાં આવ્યા છે. જેને લઈને આગામી દિવસોમાં કોઈ નવી જાહેરાત થઈ શકે છે તેની સાથે સાથે પોલીસ બેડામાં પણ મોટો ફેરાફર થશે.
