ભાવનગરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ‘મંદીનો માહોલ’, બાંધકામ ખર્ચ વધતા બિલ્ડરો મુશ્કેલીમાં – જુઓ Video
ભાવનગરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે વધેલા ઇંધણના ભાવ અને બાંધકામ મટીરિયલ્સ મોંઘું થવાને લીધે બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ ગ્રાહકો પણ ખરીદીમાં ઓછો રસ દાખવી રહ્યા છે.
ભાવનગરમાં હાલ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં મંદીનું ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ બાદ પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવના કારણે બિલ્ડરોનો ખર્ચ ખૂબ વધી ગયો છે. બીજીબાજુ, તૈયાર થયેલા મકાનો અને દુકાનો ખરીદવામાં ગ્રાહકો રસ દાખવી રહ્યા નથી. હવે આના લીધે ભાવનગરમાં ફ્લેટ, કોમર્શિયલ દુકાનો અને મકાનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે.
નોંધનીય છે કે, ડીઝલના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવતા બિલ્ડીંગ મટીરીયલ સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે રેતી, કપચી, સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો છે. આવી સ્થિતિમાં બિલ્ડરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ નવા મકાન બનાવવાનું મોંઘું થયું છે, તો બીજી તરફ વધતા ભાવોના કારણે મોંઘા બનેલા તૈયાર મકાનો ખરીદવા માટે ગ્રાહકો આવી રહ્યા નથી. આ પરિસ્થિતિને લીધે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીના વાદળો ઘેરાયા છે.
બીજી તરફ બિલ્ડરોને આશા છે કે, ઈરાન-અમેરિકા યુદ્ધ વિરામથી ધીમે-ધીમે ઈંધણના ભાવ નિયંત્રણમાં આવશે, જેના કારણે બાંધકામનો ખર્ચ ઘટશે. આ ઉપરાંત, જો વરસાદ સારો થાય તો માર્કેટમાં ફરીથી તેજી જોવા મળશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.