Bhavnagr Breaking: હોટલ-રેસ્ટોરન્ટ માટે કલેક્ટરનો કડક આદેશ, કિચનમાં CCTV ફરજિયાત, ડાઇનિંગ હોલમાં દેખાશે લાઇવ પ્રસારણ

| Edited By: | Updated on: Sep 17, 2026 | 6:59 PM

હોટલોમાં મોંઘા ભાવ વસૂલ્યા બાદ પણ સ્વચ્છતા ન જળવાતી હોવાની ફરિયાદો વચ્ચે ભાવનગર કલેક્ટરે તમામ રેસ્ટોરન્ટના કિચનમાં CCTV ફરજિયાત કરી ડાઇનિંગ હોલમાં લાઇવ પ્રસારણ દર્શાવવા આદેશ આપ્યો છે. 30 દિવસમાં અમલવારી અને પોલીસ કાર્યવાહીની ચેતવણી વચ્ચે એસોસિયેશને શું માંગ કરી? જાણો.

આજકાલ હોટલોમાં વાનગીઓની ઊંચી કિંમત ચૂકવવા છતાં કેટલીક જગ્યાએ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમો નેવે મૂકી ગ્રાહકોને અસ્વચ્છ ખોરાક પધરાવી દેવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. આ સ્થિતિ વચ્ચે ભાવનગર જિલ્લા કલેક્ટરે લાલ આંખ કરીને તમામ હોટલ-રેસ્ટોરન્ટ માટે કડક આદેશ જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ, હવે રસોડામાં (કિચન) ફરજિયાતપણે CCTV કેમેરા લગાવવા પડશે અને તેનું લાઇવ પ્રસારણ ડાઇનિંગ હોલમાં બેઠેલા ગ્રાહકો જોઈ શકે તે રીતે ડિસ્પ્લે કરવું પડશે. લોકો શું ખાઈ રહ્યા છે અને તે શુદ્ધ તેમજ સ્વચ્છ છે કે નહીં, તેની ગ્રાહકોને સીધી જાણ થાય તે માટે તંત્ર દ્વારા ‘ઓપન કિચન’ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

તંત્ર દ્વારા તમામ એકમોને આગામી 30 દિવસમાં આ સિસ્ટમ કાર્યરત કરવાનો આદેશ અપાયો છે. સાથોસાથ 15 દિવસનું ફૂટેજ બેકઅપ રાખવું ફરજિયાત રહેશે. જો કોઈ સંચાલક આ નિયમનો ભંગ કરશે તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોએ આ નિર્ણયને ઉત્સાહપૂર્વક આવકારી ખાનપાન પ્રત્યે વિશ્વાસ વધારનારું પગલું ગણાવ્યું છે. બીજી તરફ ભાવનગર હોટલ-રેસ્ટોરન્ટ એસોસિયેશને નિર્ણયનું સ્વાગત કરતા એવી રજૂઆત કરી છે કે ભાવનગર અમદાવાદ કે રાજકોટ કરતાં નાનું શહેર હોવાથી અહીં વેપાર મર્યાદિત રહે છે, જેથી યોજનાની અમલવારીમાં સ્થાનિક વેપારીઓને થોડી રાહત કે સમય આપવામાં આવે.

હોટલ-રેસ્ટોરન્ટમાં CCTV કેમ જરૂરી?

લાઇવ કિચન ફીડ: ડાઇનિંગ હોલમાંથી કિચનનો લાઇવ નજારો જોઈ શકાશે, જેથી ખોરાકની સ્વચ્છતા અને સ્ટાફની કામગીરી પર સીધી નજર રહેશે.

પારદર્શિતા: હોટલ-રેસ્ટોરન્ટની સમગ્ર ખાનપાન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહેશે.

ગ્રાહક અને વાહન સુરક્ષા: પાર્કિંગ એરિયામાં વાહનોની સુરક્ષા તેમજ ચોરીના બનાવો અટકાવી શકાશે.

સંચાલકીય સુરક્ષા: ચેક-ઇન, ચેક-આઉટ કરતા મુલાકાતીઓ, રૂમ તરફ જતા રસ્તા, લિફ્ટ અને કેશ કાઉન્ટર પર પૈસાની લેવડ-દેવડમાં ભૂલ કે ગેરરીતિ અટકાવવા માટે દરેક વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ કેપ્ચર થશે.

Surat Breaking: ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી વેપારીઓનો વિરોધ, ઉદ્યોગપતિઓની લોન માફ અને સામાન્ય જનતા પર બોજ કેમ?

Follow Us
Loading...
Unable to load recommendations.