ભાવનગરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ રજળ્યા, 2020માં ફાળવણી તો કરી દેવાઈ પરંતુ હજુ સુધી મકાનનો કબજો મળ્યો નથી- Video
ભાવનગરના સિદસર રોડ પર EWSના આવાસની લાભાર્થીઓને વર્ષ 2020થી ફાળવણી કરી દેવાઈ છે, પરંતુ મકાનનો હજુ સુધી કબજો મળ્યો નથી. લાભાર્થીઓની વર્ષ 2020થી લોનનો હપતો કપાવાનું શરૂ થઈ ગયુ છે પરંતુ હજુ સુધી તેમને મકાન મળ્યા નથી. 5 વર્ષ બાદ પણ મકાન ન મળતા લાભાર્થીઓને લોનના હપ્તાનો અને ભાડાનો બેવડો માર પડી રહ્યો છે.
ભાવનગરના સિદસરમાં EWSના એક હજાર 52 આવાસના બાંધકામમાં વિલંબ થતા હવે લાભાર્થીઓની ધીરજ ખૂટી છે. ભાવનગર મનપાએ 109 કરોડના ખર્ચે આ આવાસનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો.2020માં જે તે લાભાર્થીઓને મકાનની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી મકાનનો કબજો મળ્યો નથી. આ મકાનો 27 મહિનામાં લાભાર્થીઓને સોંપવાનો લક્ષ્યાંક હતો. પરંતુ 4 વર્ષ વિત્યા છતાં હજુ મકાન લાભાર્થીઓને નથી મળ્યા. હવે લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે..મોટા ભાગના લાભાર્થીઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે. જેઓને હાલમાં આ મંદીના સમયમાં મકાનનું ભાડું અને બેંક લોનનો હપ્તો બંને ભરવો પડી રહ્યો છે. જેથી લાભાર્થીઓની હાલત કફોડી બની છે. લાભાર્થીઓએ આ અંગે અનેકવાર મનપા કમિશનરને રજૂઆત કરી છે. પરંતુ કંઈ પરિણામ આવ્યું નથી.
તો બીજી તરફ વિપક્ષે પણ મનપાના સત્તાધીશની ઢીલી નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે. ભાવનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતાએ સત્તાધીશો પર પ્રહાર કરતા કહ્યું કે આવાસ યોજનામાં વિલંભના કારણે લાભાર્થીઓ પર બેવડો માર પડી રહ્યો છે. એજન્સીએ આવાસના કામગીરીમાં વિલંબ કર્યો હોય તો તેને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. સાથે તેમણે માગણી કરી કે લાભાર્થીઓને આવાસ ન મળે ત્યાં સુધી મનપા તેમનું ભાડું ચુકવે.
મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ આવાસ યોજનામાં વિલંબની વાત સ્વિકારી અને કહ્યું કે આ પ્રોજેક્ટમાં કોરોનાના કારણે અડચણ આવી હતી પરંતુ હાલમાં ઝડપથી કામ થઈ રહ્યું છે. વીજલાઈન, ગેસલાઈનની કામગીરી ચાલુ છે. આગામી ઓગસ્ટ મહિના સુધીમાં લાભાર્થીઓને મકાનો સોંપી દેવાશે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar