88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ, અધૂરા કામની ચૂકવણીથી ગરમાયું રાજકારણ – જુઓ Video
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ સ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા એજન્સી સામે અધૂરા કામની પણ ચૂકવણી કરાયાનો આરોપ લગાવાયો છે. અગાઉ પણ ગેરરીતિ સ્વીકારાઈ હતી, છતાં કાર્યવાહી ન થતાં સવાલો ઊભા થયા છે. BMC દ્વારા નોડલ અધિકારી થકી તપાસની ખાતરી અપાઈ છે.
ભાવનગરમાં વોટર રિચાર્જિંગ સ્ટ્રક્ચરના કામોમાં ફરી એકવાર ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. માત્ર 20 દિવસમાં બીજી વખત ભ્રષ્ટાચારના આરોપોથી શહેરનું રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે, મોતીબાગ ટાઉનહોલ ખાતે આવેલા અટલ બિહારી વાજપેયી ઓપન થિયેટરમાં રૂફટોપ વોટર રિચાર્જિંગ સ્ટ્રક્ચરના બે કામનો કોન્ટ્રાક્ટ ‘સંદીપ એન. પટેલ’ નામની એજન્સીને અપાયો હતો. તેમાંથી એક જ કામ પૂર્ણ થયું હોવા છતાં બીજા અધૂરા કામની પણ ચૂકવણી કરી દેવામાં આવી છે.
અગાઉ પણ વર્ષ 2025માં વિવિધ સરકારી ઇમારતોમાં વોટર રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ રૂપિયા 88 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. કુંભારવાડા વિસ્તારની હોસ્પિટલમાં અધૂરા કામ અંગેના આક્ષેપો બાદ અધિકારીઓએ સ્થળ તપાસ કરી ગેરરીતિ સ્વીકારી હતી. જો કે, આગળ કોઈ કાર્યવાહી થઈ ન હતી.
ભાવનગર મહાનગરપાલિકા (BMC)ના ડેપ્યુટી મેયરે નોડલ અધિકારી મારફતે તપાસ કરાવવાની અને ગેરરીતિ સાબિત થશે, તો કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ સમગ્ર મામલે પારદર્શક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે.
