પછાત માનસિક્તાનું વરવુ દૃશ્ય- બનાસકાંઠામાં પોલીસ રક્ષણ વચ્ચે કાઢવો પડ્યો દલિત યુવકનો વરઘોડો- Video
બનાસકાંઠાના પાલનપુરમાં એક દલિત યુવકનો પોલીસ રક્ષણ વચ્ચે વરઘોડો કાઢવાની ફરજ પડી હતી. આ દૃશ્યો આજે ડિજિટલ યુગમાં પણ પછાત માનસિક્તાને છતી કરી છે. વરરાજાએ વરઘોડો કાઢતા કાર પર પથ્થરમારો થતા થોડીવાર માટે બબાલ થઈ હતી.
આજે આપણે બંધારણના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ પરંતુ બંધારણમાં સૂચવેલા સમાનતાના ગુણો હજુ ક્યાંક ખૂટે છે. બનાસકાંઠામાં પણ ફરી એકવાર આવા દૃશ્યો જોવા મળ્યા છે. અહીં એક દલિત યુવકને તેના લગ્નનો વરઘોડો કાઢવા માટે પોલીસ રક્ષણ લેવાની ફરજ પડી. ઘટના પાલનપુરના ગાદલવાડા ગામની છે જ્યાં વરઘોડો લઈને જતા વરરાજાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો જે બાદ થોડીવાર માટે હોબાળો થયો અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
જે બાદ પોલીસે દરમિયાનગીરી કરી સમગ્ર મામલો થાળે પાડ્યો અને વરરાજાની કાર ખુદ PI એ ચલાવી વરરાજાને રક્ષણ પુરુ પાડ્યુ હતુ. દલિત યુવકના આ વરઘોડા સમયે 200 પોલીસકર્મી હાજર રહ્યા હતા. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ વરરાજાની કારમાં બેઠા હતા. જો કે બનાસકાંઠામાં આ પહેલીવાર નથી આ અગાઉ પણ ઘોડા પર બેસીને દલિત યુવકે વરઘોડો કાઢવા મામલે જાનૈયાઓને રોકવામાં આવ્યા હોય. વરરાજાના ઘોડા પરથી ઉતરી જવાની ફરજ પાડવામાં આવી હોય તેવી ઘટનાઓ સામે આવી ચુકી છે. એટલુ જ નહીં મૂછ રાખવા જેવી બાબતે પણ દલિત યુવકની પ્રતાડના કરવામાં આવી હોવાની ઘટના આપણે સહુ જોઈ ચુક્યા છીએ. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ માનસિક્તા બદલાતી કેમ નથી. આજે ડિજિટલ યુગમાં તો પહોંચી ગયા. સ્માર્ટ ફોન તો વાપરતા થઈ ગયા પરંતુ માનસિક્તા તો એ જ હજુ 18મી સદીની લઈને કેટલાક લોકો ચાલી રહ્યા છે. આ માનસિક્તા બદલાવી જરૂરી છે.