Breaking News : ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો, જુઓ વીડિયો
સાયબર ક્રાઈમના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે, ખાસ કરીને છેલ્લા દોઢ વર્ષમાં ડિજિટલ ધરપકડ કૌભાંડ સંબંધિત કિસ્સાઓ ઝડપથી વધ્યા છે. હાલમાં વડોદરાના ધારાસભ્યને પણ ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો ચાલો શું છે સમગ્ર મામલો જાણીએ.
દરરોજ કોઈને કોઈ સાયબર છેતરપિંડીનો શિકાર બની રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં, ડિજિટલ ધરપકડ કૌભાંડ સંબંધિત કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. છેતરપિંડી કરનારાઓ ઘણીવાર લોકોને ડરાવીને અથવા લાલચ આપીને તેમના જાળમાં ફસાવે છે. વડોદરા શહેરમાં સાયબર ફ્રોડ કરતા લોકો બેફામ થયા છે. ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય યોગેશ પટેલને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો,ફોન નંબરમાં મુંબઈ પોલીસનો બોગસ લોગો લગાવ્યો હતો. સાયબર ગઠિયાઓએ ધારાસભ્ય સાથે ગુજરાતી ભાષામાં વાત કરી હતી.મુંબઈ પોલીસની ઓળખ આપીને નોટિસ નીકળી હોવાની વાત કરી હતી.આ દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે પણ ગઠિયાઓને વળતો જવાબ આપ્યો હતો.
સાયબર ગઠિયાઓએ ફોન કરીને પહેલા ધારાસભ્યના નામ સહિતની વિગતો મેળવી હતી. ત્યારબાદ કહ્યું કે, અમે મુંબઈ પોલીસમાં છીએ. મુંબઈ પોલીસમાંથી તમારા નામની નોટિસ નીકળી છે. એટલામાં ધારાસભ્યને સાયબર ફ્રોડની જાણ થઈ જતા ગઠિયાઓને વળતો જવાબ આપ્યો હતો. ધારાસભ્યએ કહ્યું ‘તું જે સ્કૂલમાં ભણ્યો છું તે સ્કૂલનો હું પ્રિન્સિપાલ રહી ચુક્યો છું’ એવું બોલતાની સાથે જ ગઠિયાઓએ ફોન મૂકી દીધો.
ડિજિટલ એરેસ્ટ શું છે
ડિજિટલ એરેસ્ટ એ એક પ્રકારનો સાયબર છેતરપિંડી છે જેમાં છેતરપિંડી કરનારાઓ પોતાને CBI, પોલીસ, ED અથવા અન્ય સરકારી અધિકારીઓ બનીને વાત કરે છે અને લોકોને ડરાવવા અને ધમકાવવાનું કામ કરે છે. છેતરપિંડી કરનારાઓ લોકોને ખાતરી આપે છે કે જો પીડિત વ્યક્તિ આજ્ઞા નહીં માને તો તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ઓનલાઈન લોકોને ધરપકડ કરીને, છેતરપિંડી કરનારાઓ પૈસા પડાવવાનું કામ કરે છે.
સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર
જો કોઈ વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બને છે, તો તે વ્યક્તિએ વિલંબ કર્યા વિના સાયબર ક્રાઇમ પોર્ટલ (cybercrime.gov.in) પર જઈને ફરિયાદ નોંધાવવી જોઈએ. ડિજિટલ છેતરપિંડીથી બચવા માટે તમારી સતર્કતા જ એકમાત્ર રસ્તો છે.