છોટાઉદેપુર: કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોષીના રિમાન્ડ મંજૂર, ધરપકડ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો રાજકીય જંગ

| Edited By: | Updated on: May 14, 2026 | 6:45 PM

છોટાઉદેપુરના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોષીની દારૂના કેસમાં ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે મધુ શ્રીવાસ્તવે તેને ભાજપની કિન્નાખોરી ગણાવી આકરા પ્રહારો કર્યા છે.

છોટાઉદેપુરમાં કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીની ધરપકડ બાદ સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં સંખેડા પોલીસે આશિષ જોષીને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમના આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે બચાવ પક્ષના વકીલે સત્ય બહાર લાવવા માટે આશિષ જોષી સહિત અન્ય આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવાની અનોખી માંગ કરી છે.

બીજી તરફ, આ ધરપકડને પગલે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ નિવેદન આપ્યું છે કે કાયદો તેનું કામ કરી રહ્યો છે અને આમાં ભાજપને કોઈ લેવાદેવા નથી. જોકે, કોંગ્રેસે આને ભાજપના ઈશારે કરાયેલા કાવાદાવા ગણાવ્યા છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મેદાનમાં ઉતર્યા છે. તેમણે વડોદરાથી સંખેડા પહોંચી ભાજપના નેતાઓ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “ભાજપના લોકો સાંભળી લે, તમે અમારું કંઈ બગાડી નહીં શકો, હું તમારા બધા ભ્રષ્ટાચાર જાણું છું.”

ઉલ્લેખનીય છે કે આશિષ જોષી અગાઉ ભાજપમાં હતા, પરંતુ હરણી બોટકાંડના પીડિતો માટે અવાજ ઉઠાવતા તેમને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈને ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે મુખ્ય આરોપીઓને જામીન મળી ગયા છે, પરંતુ આશિષ જોષીને કિન્નાખોરી રાખીને હેરાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં આ ધરપકડને કારણે વડોદરા અને છોટાઉદેપુરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

અમદાવાદમાં સરકારી આવાસના નામે લાખોની ઠગાઈ : જાણીતા વ્યક્તિના નામે 50-50 હજાર પડાવનાર અંકિત પટેલ ઝડપાયો

Follow Us
Loading...
Unable to load recommendations.